ગાંધી કુટુંબમાં રૂડો અવસર આવ્યો: પ્રિયંકાના પુત્ર રેહાનની સગાઈ

લાંબા સમયની ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે રેહાનએ અંગુઠીની અદલાબદલી કરી: વિધિવત સમારોહ આગામી મહિને રાજસ્થાનમાં યોજાય તેવા સંકેત

ગાંધી કુટુંબમાં જલ્દી શરણાઈઓ વાગશે. પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાએ તેની ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઈ કરી લીધી છે. 25 વર્ષનો રેહાન લગભગ સાત વર્ષથી અવીવા સાથે ડેટીંગ કરી રહ્યો હતો અને હવે તેમના સંબંધોને ગાંધી કુટુંબે મંજુરી આપી દીધી છે. રેહાન એક વર્ચ્યુલ આર્ટીસ્ટ અને ફોટોગ્રાફર છે જયારે અવીવા એક ફોટોગ્રાફર અને પ્રોડયુસર છે. રેહાનની પ્રેમીકા અવીવા દિલ્હીમાં જ રહે છે અને બંને પરિવારો લાંબા સમયથી એકબીજા સાથે સંબંધ ધરાવે છે. રેહાન વાડ્રા પોતાની વર્ચ્યુલ આર્ટીસ્ટ સહિતના ક્ષેત્રે અનેક પ્રદર્શનોમાં ભાગ લઈ ચૂકયા છે અને કોમર્શીયલ ફોટોગ્રાફી પણ કરે છે. સાથોસાથ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં પણ તેને રસ છે. તેણે 2021માં નવી દિલ્હીના બિકાનેર હાઉસમાં યોજાયેલ ડાર્ક પરસેપ્શનનું સોલો પ્રદર્શનમાં ડેબ્યુ કર્યુ હતું. ગાંધી કુટુંબમાં ફોટોગ્રાફીનો શોફ લાંબા સમયથી ચાલ્યો આવે છે. પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ફોટોગ્રાફીના શોખીન છે અને તેઓ અંગત કલેકશન ધરાવે છે. રેહાન અને અવીવાના લગ્ન થોડા સમયમાં જ યોજાશે. પ્રિયંકા અને રોબર્ટ વાડ્રાને એક પુત્રી પણ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઔપચારીક સગાઈ થયા બાદ રાજસ્થાનમાં આગામી માસમાં ત્રણ દિવસના એક પ્રાઈવેટ સમારોહમાં સગાઈવિધિ થઈ શકે છે અને ત્યારબાદ લગ્ન અંગે નિર્ણય લેવાશે. રેહાન વાડ્રા એક સમયે ધો.12ની સીબીએસઈની પરીક્ષામાં નાપાસ થયા હતા. પરંતુ બાદમાં તેણે પરીક્ષા પાસ કરીને વિદેશની યુનિ.માં પણ અભ્યાસ કર્યો છે પણ તે રાજનીતિમાં રસ ધરાવતા નહી હોવાનું માનવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ