રૂા.497 કરોડની રિલીફ સ્કીમ જાહેર: MSME સહિત ત્રણ કેટેગરીમાં તેનો અમલ થશે
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ત્રણ અઠવાડિયાથી ચાલતા યુધ્ધને કારણે ભારતીય નિકાસકારોને મોટો ફટકો છે. જ્યારે કેન્દ્ર સરકારે નિકાસકારો માટે રીલીફ સ્કીમ શરૂ કરી છે. 497 કરોડની આ યોજના યુએઇ, સાઉદી અરેબીયા, કુવૈત, કતાર, ઓમાન, બહેરીન, ઇરાક, ઇરાન, ઇઝરાયેલ તથા યમનમાં મોકલાનારા અથવા જ્યાંથી પસાર થનારા માલ સામાન માટે રાહત આપશે. આ સ્કીમથી એમએસએમઇ નિકાસકારોને વીમા અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાનો આંશિક ભાગ પરત મળશે ઉપરાંત એકસપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી વીમા કવચ મેળવનારા નિકાસકારોને વધુ કોઇ બોજ સહન કર્યા વિના જોખમ સામે 100 ટકાનું રક્ષણ મળશે. કેન્દ્રીય વાણિજ્યમંત્રી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘રીલીફ’ સ્કીમને એકસપોર્ટ પ્રમોશન મિશન હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુધ્ધથી પ્રભાવિત 17 થી 18 દેશોમાં માલ મોકલતા નિકાસકારો માટે જ છે.
ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાંકીય જોગવાઇ તથા રીયલ ટાઇમ મોનિટરીંગથી વ્યવસ્થાથી સ્કીમનો સારો લાભ મળવાનો આશાવાદ છે. પરિવહન ઠપ્પ થવાના કારણે અત્યારે જે અસર થઇ રહી છે અને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે તેમાં રાહત મળશે.
કેન્દ્ર સરકારે આ સ્કીમ ત્રણ ભાગમાં તૈયાર કરી છે. પ્રથમ ભાગમાં એવા નિકાસકારોને 100 ટકા જોખમ સુરક્ષા મળશે જેઓએ 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમ્યાન ક્ધસાઇનમેન્ટ માટે ક્રેડિટ વીમા કવચ મેળવી લીધું હોય. નવી રીલીફ સ્કીમ હેઠળ વધારાના સુરક્ષા કવચનો લાભ મળશે. બીજી કેટેગરી 16 માર્ચથી 15 જુન દરમ્યાન ક્ધસાઇનમેન્ટ મોકલવાનું પ્લાનીંગ કરનારા નિકાસકારો માટે છે તેઓ ક્રેડિટ ઇન્સ્યોરન્સ કવર મેળવે તેમાં સરકાર 95 ટકા સુધી રિસ્ક કવરેજ આપશે જે વર્તમાન કવરેજથી વધારાનું હશે.
ત્રીજી કેટેગરીમાં એમએસએમઇ નિકાસકારો પર ફોકસ હશે. 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ક્રેડિટ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો ન હોય તો તેઓને પરિવહન તથા વીમાની વધારાની રકમ પર આંશિક નાણાં રીઇમ્બર્સ (પરત) કરાશે.
