રાહુલના નજીક રહેલા કેન્દ્રીય મહામંત્રીને 47 ધારાસભ્યોનું સમર્થન: પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓનો પણ ટેકો
કેરળમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતૃત્વના યુડીએફને પુર્ણ બહુમતી મળી છે પરંતુ અહી મુખ્યમંત્રી કોણ તે અંગે કોંગ્રેસમાં જબરી ખેંચતાણ છે. પક્ષને 63 બેઠકો મળી છે અને છેલ્લા અહેવાલ મુજબ મુખ્યમંત્રીપદની રેસમાં રાહુલ ગાંધીની નજીક ગણાતા પક્ષના મહામંત્રી કે.સી.વેણુગોપાલન સૌથી આગળ છે તેને 47 ધારાસભ્યોનો ટેકો હોવાનું મનાય છે. ગઈકાલે જ કોંગ્રેસના નિરીક્ષકોએ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી હતી જેમાં આ ચિત્ર બહાર આવ્યું છે. જો કે રાજયમાં ચુંટણીમાં મુખ્યમંત્રી તરીકે પોતાને પ્રોજેકટ કરનાર પક્ષના વરિષ્ઠ નેતા રમેશ થેન્નીથલાને મોટો આંચકો હશે. મિડીયા રિપોર્ટ મુજબ તેને ફકત આઠ ધારાસભ્યોનું સમર્થન છે જયારે વધુ એક નેતા ડી.સતીશનના ટેકામાં છ ધારાસભ્યો છે. હવે શનિ કે રવિવારે નવા મુખ્યમંત્રીની પસંદગી થઈ જશે. જો કે સાથી પક્ષોએ કોંગ્રેસ કોને મુખ્યમંત્રી બનાવે છે તે તેના પર નિર્ણય છોડયો છે.
