દેશ અને દુનિયામાં ઉર્જા સંકટ પેદા થયું છે ત્યારે સરકારે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે કેન્દ્ર સરકાર ઈલેકટ્રીક બસ અને ટ્રક ખરીદનારાઓને સસ્તી લોન આપવાની વ્યવસ્થા કરી રહી છે. સરકારની આ રણનીતિમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહી છે. આથી ખાનગી પરિવહન કંપનીઓ અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને મોટો ફાયદો મળી શકે છે. આ યોજના 6 મહિનામાં લાગુ પડી શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશમાં ઈ-બસ અને ટ્રકોની સંખ્યા વધારવાનો સૌથી મોટો પડકાર હવે તેની ઉંચી કિંમત અને મોંઘી લોન બની ગયો છે. અત્યાર સુધી સરકાર સીધી સબસીડી અને વાહન નિર્માણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન આપી રહી હતી, પરંતુ હવે ફોકસ ખાનગી ક્ષેત્રમાં ઈલેકટ્રીક વાહનોના બેડા વધારવા પર છે. આ કારણે સરકાર નવી ગેરંટી આધારિત નાણા સહાયતા યોજના લાવવાની તૈયારીમાં છે. સરકાર ઈચ્છે છે કે વધુને વધુ ખાનગી બસ અને ટ્રક ઓપરેટર ઈ-વાહનોને અપનાવે.
હાલના સમયમાં દેશમાં મોટા ભાગે ઈલેકટ્રીક બસોની ખરીદી રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંતર્ગત થઈ રહી છે. ખાનગી બસ ઓપરેટર હાલ મોટા સ્તરે ઈલેકટ્રીક બસો ખરીદવાથી દુર ભાગી રહ્યા છે. આનું મોટુ કારણ તેની ઉંચી કિંમત અને તેના પર મળતી મોંઘી લોન છે. સામાન્ય રીતે એક ડીઝલ બસની કિંમત 25 લાખથી 60 લાખ રૂપિયા હોય છે. તેના પર બેન્ક 8થી 9 ટકાના દરે લોન આપે છે, આથી વિરૂધ્ધ ઈલેકટ્રીક બસની કિંમત 1 કરોડથી 2 કરોડ રૂપિયા સુધીની હોય છે અને તેના પર મળતી લોનનો વ્યાજ દર 11.5થી 12 ટકા સુધીનો હોય છે. આથી ખાનગી ઓપરેટરો પર આર્થીક બોજ વધી જાય છે આવી સ્થિતિ ઈલેકટ્રીક ટ્રકોની સાથે પણ છે. ભારે કિંમત અને ઉંચા વ્યાજ દરોના કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓ ઈલેકટ્રીક વાહનોમાં રોકાણ કરવામાં હિચકિચાટ અનુભવે છે. દેશમાં 20 લાખ બસ છે, જેમાં લગભગ 90 ટકા ખાનગી ઓપરેટરો પાસે છે. તેમાં લગભગ બધી બસો ડીઝલથી ચાલે છે.
ઓપરેટરોનો તર્ક છે કે જો સરકાર નિશ્ર્ચિત કરે કે જો સરકાર નિશ્ર્ચિત કરે કે ઈલેકટ્રીક બસ, ટ્રકો પર પણ ડીઝલ વાહનો જેવી ઓછા વ્યાજની લોન મળે, તો તેઓ મોટા પ્રમાણમાં ઈલેકટ્રીક વાહનો ખરીદવા તૈયાર છે, જયારે વાહન નિર્માતા કંપનીઓનું કહેવું છે કે જો ખરીદી વધશે તો ધીરે ધીરે તેમનો નિર્માણ ખર્ચ પણ ઘટશે.
ઈલેકટ્રીક બસ અને ટ્રકોને લઈને બેંક અને એનબીએફસી સાવધાની રાખી રહી છે તેમનું કહેવું છે કે ડીઝલ વાહનોની તુલનામાં ઈલેકટ્રીક બસ અને ટ્રક ખરીદવા માટે તેમણે ત્રણથી ચાર ગણી લોન આપવી પડે છે. આ સ્થિતિમાં જો ઓપરેટર લોન નથી ચૂકવી શકતો તો તે બેંક માટે નુકશાનનો ખતરો વધી જાય છે. આ જોખમના કારણે તેમને વ્યાજ દર વધુ રાખવો પડે છે. આ ઉપરાંત બેટરી વાહનની રિ સેલ વેલ્યુ, બેટરી લાઈફ અને સેક્ધડ હેન્ડ બજાર હજુ પૂરી રીતે વિકસિત ન હોવાના કારણે પણ બેંક મોટા સ્તરે લોન આપવામાં હિચકિચાટ અનુભવે છે. જો કે કેટલીક બેંકો એક ટકા સુધીની છુટ દેવા પર સહમતી થઈ છે. પણ લોનની રકમ પર ગેરંટી ઈચ્છે છે. સરકારે બધા પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ હવે યોજનાને અંતિમ રૂપ દેવાની દિશામાં કામ શરૂ કયુર્ં છે જે અંતર્ગત સરકાર બે મોટા સ્તરે નાણાકીય સહાય આપી શકે છે. પ્રથમ, ઈલેકટ્રીક બસ અને ટ્રકો પર લાગતા ઉંચા વ્યાજ દરની ભરપાઈ, બીજુ, બેંકો અને એનસીએફસીને આંશિક લોન ગેરંટી આપવી, જેથી તે વધુ સંખ્યામાં લોન આપવા તૈયાર થાય. આનો અર્થે એ થયો કેજો કોઈ ખાનગી ઓપરેટર લોન લીધા બાદ ચૂકવવાની સ્થિતિમાં નથી રહેતો તો સરકાર એક સીમા સુધી તેની ભરપાઈ કરશે. યુરોપ, નેધરલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, એમરિકા જેવા દેશોમાં સરકાર ઈ-બસ, ઈ-ટ્રક, ચાર્જીંગ સ્ટેશન પર મોટી સબસિડી-સહાયતા આપે છે.
