પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતનાએ સમાજને મજબૂત બનાવવા ચર્ચા કરી
અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા દિલ્હીમાં 12મા રાષ્ટ્રીય અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ઐતિહાસિક સંમેલનમાં દેશભરમાંથી કોળી સમાજના આગેવાનો અને હજારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે હિમાચલ પ્રદેશના મંત્રી ડો. કર્નલ રામ સાંડિશ અને ભૂતપૂર્વ સાંસદ તથા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ વીરેન્દ્ર કશ્યપ વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
અખિલ ગુજરાત કોળી સમાજના પ્રમુખ અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અધિવેશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. દિલ્હીના મંચ પર રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સાથે તેમની બેઠક અને ચર્ચા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સોલંકીએ ત્રણેય મહાનુભાવો સાથે સમાજની એકતા, સંગઠનને મજબૂત કરવા અને યુવાનોને નવી દિશા આપવા અંગે ગહન ચર્ચા કરી. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજી સાથેની તેમની મુલાકાત દરમિયાન સમાજના ઉત્થાન માટેના વિવિધ મુદ્દાઓ પર ફળદાયી સંવાદ થયો હતો.
આ રાષ્ટ્રીય અધિવેશનમાં હીરાભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ ગુજરાત કોળી સમાજનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું. રાષ્ટ્રીય ફલક પર ગુજરાતના આગેવાન તરીકે તેમની સક્રિયતા અને દબદબો નોંધપાત્ર રહ્યો. આ સંમેલન બાદ આગામી ચૂંટણીઓમાં કોળી સમાજનું સંગઠન વધુ એકજૂટ અને મજબૂત બનશે તેવો વિશ્વાસ આગેવાનોએ વ્યક્ત કર્યો હતા.
