ઘરે જ બનાવો મોંમાં ઓગળી જાય એવો દાણાદાર મોહનથાળ: જાણો પરંપરાગત રીત

ગુજરાતી ઘરોમાં તહેવાર હોય કે શુભ પ્રસંગ, મોહનથાળ વગર મીઠાઈની થાળી અધૂરી ગણાય છે. તેની ખાસિયત તેની કણાદાર બનાવોટ, શુદ્ધ ઘીની સોડમ અને મોંમાં ઓગળી જતો અદ્ભુત સ્વાદ છે. બજારની મીઠાઈઓમાં ઘણીવાર ભેળસેળનો ભય હોય છે, ત્યારે ઘરે જ શુદ્ધ અને પૌષ્ટિક મોહનથાળ બનાવવો ખૂબ સરળ છે.

દૂધ અને ચણાના લોટનું યોગ્ય પ્રમાણ અને ધીમા તાપે લોટનું શેકાવું – આ બે જ તેના અસલી સ્વાદનું રહસ્ય છે. ચાલો જાણીએ પરંપરાગત મોહનથાળ બનાવવાની રીત.

જરૂરી સામગ્રી

ચણાનો લોટ (કર્કરો/બરછટ): ૨ કપ

દેશી ઘી: ¾ કપ

દૂધ: ૪-૫ ચમચી (ધાબો આપવા) + ¼ કપ (ઉમેરવા માટે)

ખાંડ: ૧ કપ

પાણી: ½ કપ

એલચી પાવડર: ½ ચમચી

જાયફળ અને કેસર: ચપટી

ડ્રાયફ્રૂટ્સ: બદામ-પિસ્તાની કાતરી

બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

૧. ધાબો આપવો (કણાદાર બનાવટ માટે):

એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં ૩-૪ ચમચી નવશેકું દૂધ અને ૩ ચમચી ઓગાળેલું ઘી ઉમેરો. બંને હથેળી વડે લોટને બરાબર ચોળી લો જેથી લોટના કણે-કણમાં મિશ્રણ ભળી જાય. ૧૫ મિનિટ ઢાંકી રાખ્યા બાદ લોટને મોટા કાણાંવાળી ચાળણીથી ચાળી લો. આનાથી મોહનથાળ એકદમ દાણાદાર બનશે.

૨. ધીમા તાપે શેકવો:

જાડા તળિયાવાળી કડાઈમાં બાકીનું ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરો. ધીમી આંચ પર સતત હલાવતા રહીને લોટ સોનેરી-બદામી થાય અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકો.

૩. દૂધ ઉમેરી માવા જેવો ટેક્સચર આપવો:

લોટ શેકાઈ જાય એટલે તેમાં ¼ કપ દૂધ થોડું-થોડું કરીને ઉમેરતા જાવ. દૂધ ઉમેરતાં જ મિશ્રણમાં ફીણ થશે અને લોટ ફૂલશે. દૂધ બરાબર શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

૪. ચાસણી તૈયાર કરવી:

બીજા વાસણમાં ખાંડ અને પાણી ભેગા કરી મધ્યમ તાપે દોઢ (૧.૫) તારની ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં કેસર, એલચી અને જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરો.

૫. સેટ કરવું:

ગરમ ચાસણીને શેકેલા લોટના મિશ્રણમાં ધીમે-ધીમે રેડીને બરાબર હલાવી લો. ઘી ચોપડેલી થાળી કે ટ્રેમાં આ મિશ્રણ પાથરી દો. ઉપર બદામ-પિસ્તાની કાતરી છાંટીને હળવા હાથે દબાવી દો. મિશ્રણ ઠંડુ પડે એટલે મનપસંદ આકારના ટુકડા કરી પીરસો.

રિલેટેડ ન્યૂઝ