સુત્રાપાડામાં કેમીકલ પાઇપલાઇનની કામગીરી બંધ રાખવા લોકોની માંગ

દરિયા કિનારાના બંધારાને નુકશાન થતું હોવાની રાવ

સુત્રાપાડા ના દરિયા કિનારે આવેલ મહત્વપૂર્ણ બંધારાને પ્રાઇવેટ કંપની દ્વારા ચાલી રહેલા કામના કારણે ગંભીર નુકસાન થતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ સુત્રાપાડા નજીક દરિયા કિનારે, જ્યાંથી ચોમાસા દરમિયાન શહેરનું વરસાદી પાણી દરિયામાં નીકાસ થાય છે, ત્યાં હાલ જી.એસ.સી.એલ. નામની પ્રાઇવેટ કંપની દ્વારા દરિયાની અંદર કેમિકલ યુક્ત પાણી છોડવા માટે પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે.આ પાઇપલાઇનને દરિયાની અંદર લઈ જવા માટે કંપની દ્વારા ભારે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે દરિયાના પાણી અને સુત્રાપાડા શહેર વચ્ચે બનાવાયેલ મહત્વપૂર્ણ બંધારાને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આ બંધારો તૂટશે તો દરિયાનું ખારું પાણી સીધું શહેરમાં પ્રવેશી શકે છે, જેના કારણે સુત્રાપાડા શહેર માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ કામને તાત્કાલિક અસરથી અટકાવવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે શહેરની સુરક્ષા સાથે સંકળાયેલા આવા ગંભીર મુદ્દે સંબંધિત તંત્ર દ્વારા તરત જ તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે.આ અંગે જી.એમ.બી. (ૠખઇ) વિભાગના પોર્ટ ઓફિસર સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા આ કામ માટે મંજૂરી લેવામાં આવી છે અને કામ પૂર્ણ થયા બાદ કંપની દ્વારા બંધારાની દીવાલ ફરીથી બનાવી આપવામાં આવશે. પરંતુ હાલ ઉભી થયેલી પરિસ્થિતિને લઈને શહેરીજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. લોકોનો સવાલ છે કે જો કામ દરમિયાન બંધારો તૂટે અને દરિયાનું પાણી શહેરમાં ઘુસી આવે તો તેની જવાબદારી આખરે કોણ લેશે?સ્થાનિક લોકો તંત્ર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી આફત સર્જાય તે પહેલાં જ યોગ્ય પગલાં લેવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ