ઘેડ વિસ્તારમાં પુરથી થતા નુકશાનને અટકાવવા રાજય સરકાર દ્વારા ફ્રેઝ-2 યોજનાને અપાઇ મંજુરી

સોરઠ-ઘેડ પંથકના વિકાસ માટે સરકાર દ્વારા રૂા.1184.48 કરોડની રકમને લીલીઝંડી

ઘેડ વિસ્તારમાં ભારે પૂરને કારણે ધોવાઇ જતાં ખેતરોને સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-2 યોજનાને વહિવટી મંજૂરી આપી છે અને સોરઠી ઘેડ વિસ્તારના વિકાસ માટે રૂ. 1184.18 કરોડની યોજનાને મંજૂરી આપી હોવાનું જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે, ત્યારે સોરઠી ઘેડ વિસ્તારના વિકાસ માટે સરકારનો આ મહત્વનો નિર્ણય મનાઈ રહ્યો છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના જણાવ્યા મુજબ, ખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.મંત્રી એ ફેઝ-2ના કામોના આયોજન અંગે જણાવ્યું હતું કે, સોરઠી ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ 2ના કામો માટે ક્ધસલટન્ટ દ્વારા કરેલ રીપોર્ટને આઇઆઇટી, ગાંધીનગર પાસે રીવ્યુ કરાવી રાજ્ય સરકાર દ્વારા સોરઠી ઘેડ માટે રૂ. 1118.54 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
જેમાં નદી કાંઠાઓના બેન્ક પ્રોટેક્શનના કામો, નદી, કેનાલ, વોંકળાના ડિસિલ્ટીંગ, જંગલ કટીંગ, બંધ વોંકળાઓ પુનજીર્વિત કરવા, નદી પરના નાના/સાંકળા ગાળાવાળા સી.ડી. વર્ક્સને તોડીને તેની જગ્યાએ નવા મોટા ગાળા વાળા સી.ડી. વર્ક્સ બનાવવા તેમજ જરૂરિયાત મુજબ વોટર ડીવાઈડ સ્ટ્રક્ચર બનાવવા, હયાત ટાઈડલ રેગ્યુલેટરની જગ્યાએ વધુ પાણી નિકાલની ક્ષમતાવાળું ટાઈડલ રેગ્યુલેટરનું આયોજન જરૂરી હોય ટાઈડલ રેગ્યુલેટરની નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. વધુમાં પાણીનો વ્યય અટકાવવા અને પાણીની ઉપયોગીતાઓ વધારવા હયાત સ્ટ્રકચરો જેવા કે તળાવ અને ટાઈડલ રેગ્યુલેટરને ઉંડા-પહોળા કરી જળ સંગ્રહ શક્તિ વધારવાના કામો કરવામાં આવશે
મંત્રી એ કામોની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે ત્રણ તબક્કામાં એટલે કે ફેઝ 1, 2 અને 3 માં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોરઠી વિસ્તારમાં વરસાદી પાણીનાં નિકાલ માટેના આયોજન પૈકી ફેઝ- 1ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ-2025ના રોજ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું, પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું, પાણીના વહેણમાં અવરોધ રૂપ ચેકડેમ તેમજ અન્ય બાંધકામોને દૂર કરવા જેવા કામો હાથ ધરવામાં આવશે. જે પૈકી હાલની સ્થિતિએ ફેઝ-1 ના કામો પૈકી જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ વિસ્તારમાં કુલ-3 કામો જેમાં નદી, વોંકળા, કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી ચોમાસા-2026 પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના વધુમાં જણાવ્યા મુજબ, ફેઝ-1 અને ફેઝ-2 હેઠળ સોરઠી ઘેડ વિસ્તારમાં રૂ. 1184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડ મળી કુલ રૂ. 1534.19 કરોડની યોજનાથી બન્ને ઘેડ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવશે.આ માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમજ માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા સહિત સ્થાનિક આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ આવશે. જેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો અને નાગરિકોને થશે.

રિલેટેડ ન્યૂઝ