વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી : રાજકોટ સહિત રાજ્યભરના કલેક્ટરો, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચૂંટણી પંચે વીડિયો કોન્ફરન્સ યોજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. દરમિયાન રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આજે બપોરના 4-30 કલાકે રાજય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજયભરના જીલ્લા કલેકટરો જીલ્લા વિકાસ અધિકારીઓ અને મ્યુ.કમિશ્ર્નરો સાથે વિડીયો કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી છે.રાજકોટ શહેર-જિલ્લામાં રાજકોટ મહાનગરપાલિકા, મ્યુ.કોર્પોરેશન અને ગોંડલ નગર પાલિકાની ચૂંટણી યોજાનાર હોય જીલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાર યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચનો આદેશ મળ્યે આ મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધ કરી દેવામાં આવનાર છે.શહેર-જીલ્લામાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં 13થી 14 હજાર જેટલા કર્મચારીઓની જરૂરીયાત ઉભી થનાર હોય જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ દ્વારા કર્મચારીઓના સ્ટાફની જીલ્લાની તમામ કચેરીઓ પાસેથી વિગતો મેળવી લેવા માટે સુચના આપતા તમામ કચેરીઓને કર્મચારી સ્ટાફની સંખ્યાની વિગતો તાબડતોબ મોકલી આપવા આદેશ કરી દેવામાં આવેલ છે.જેમાં આગામી છ માસમાં નિવૃત થનાર, કર્મચારીઓ, સેવા નિવૃત થઈ ગયેલા કર્મચારીઓ અને બદલી પામેલા કર્મચારીઓ ઉપરાંત નવા હાજર થયેલા કર્મચારીઓની માહિતી મોકલવા તાકીદ કરવામાં આવી છે.જેમાં દિવંગત થયેલા કર્મચારીઓના નામ કમ કરી લેટેસ્ટ તૈયાર કરી આઠ દિવસમાં મોકલી આપવા ફરમાન કરાયું છે. દરમિયાન બપોરના રાજય ચૂંટણીપંચ દ્વારા કલેકટરો- જીલ્લા વિકાસ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આયોજીત કરાયેલ વીડિયો કોન્ફરન્સમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવનાર છે.
બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પણ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મતદારોની રીઝવવા માટે અત્યારથી જ આગેવાનો અને કાર્યકરો દ્વારા ગ્રુપ બેઠકોનો દૌર શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સાથે જીલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોય ચૂંટણી પંચ દ્વારા જરૂરી ઈવીએમ મશીનો પણ ફાળવી દેવામાં આવેલ છે.
