વોટિંગ પૂરું થતાં જ લોકોને લાગશે મોંઘવારીનો ડામ ! ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25 થી 28નો તોતિંગ વધારો થવાની શક્યતા

ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને જંગી નુકસાની રોકવા નિર્ણય શક્ય: કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો આંચકાજનક અહેવાલ

દેશમાં બંગાળ, કેરળ, આસામ, તમિલ નાડું વિધાસભા અને પોંડિચેરી ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો બોજ આવી શકે છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ ના ભાવમાં થયેલા વધારાને કારણે તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 25 થી 28 સુધીનો વધારો કરી શકે છે. અહેવાલ અનુસાર, વૈશ્ર્વિક સ્તરે તેલના ભાવમાં થયેલા ઉછાળા છતાં ભારતમાં લાંબા સમયથી ઈંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. હાલમાં જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને માર્કેટિંગ માર્જિનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. જો આ નુકસાનની ભરપાઈ કરવી હોય, તો ચૂંટણી પછી ભાવ વધારો અનિવાર્ય જણાઈ રહ્યોછે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારત તેની જરૂરિયાતનું 85% થી વધુ તેલ આયાત કરે છે, તેથી વૈશ્ર્વિક ભાવમાં થતી કોઈપણ હિલચાલની સીધી અસર સ્થાનિક કિંમતો પર પડે છે. અહેવાલમાં જણાવાયું છે કે જો તેલ કંપનીઓ તેમનો નફો જાળવી રાખવા માંગતી હોય, તો તેમણે કિંમતોમાં મોટો સુધારો કરવો પડશે.
જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ સ્તરે વધારો થશે, તો તેની સીધી અસર પરિવહન ખર્ચ પર પડશે, જેના કારણે શાકભાજી, દૂધ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. જોકે, સરકાર આ વધારાને રોકવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે છે કે કેમ તે જોવું રહ્યું.

પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારાની કોઈ દરખાસ્ત નથી: કેન્દ્ર સરકારની ચોખવટ

પ્રજામાં ભય-ગભરાટ સર્જવાનો ઈરાદો હોવાનો દાવો

ભારતમાં પશ્ર્ચીમ બંગાળ સહિતના રાજયોની વિધાનસભા ચુંટણી પુર્ણ થયા બાદ પેટ્રોલ-ડીઝલમાં તોતીંગ ભાવવધારો થવાના રિપોર્ટને સરકારે ફગાવ્યો છે અને આવી કોઈ દરખાસ્ત વિચારણા ન હોવાની ચોખવટ કરી છે.
કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રાલયે જ એક સતાવાર ટવીટમાં પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો થવાના અહેવાલને ખોટા ગણાવીને એમ કહ્યું કે સરકાર સમક્ષ આવી કોઈ દરખાસ્ત નથી. આ પ્રકારના સમાચાર પ્રજામાં ભય અને ગભરાટ સર્જવા માટે હોઈ શકે છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનુ કૃત્ય છે.
ટવિટમાં એવો દાવો કરાયો છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જયાં છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ-ડીઝલમાં કોઈ ભાવવધારો કરાયો નથી એટલું જ નહીં વિશ્ર્વબજારમાં ધરખમ ભાવવધારો થયો હોવા છતાં ભારતીય નાગરિકોને બોજ ન પડે તે માટે સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ કદમ ઉઠાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ