ઉનાના કોબ ગામે ખૂનની કોશિશ: 24 કલાકમાં 2 આરોપી ઝડપાયા, ગીર સોમનાથ પોલીસની ત્વરિત કાર્યવાહી

માથામાં છરી અને લોખંડના પાઇપથી હુમલો, ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર: ડીઆઈજી-એસપીની સૂચનાથી હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી પકડાયા

ગીર સોમનાથ જિલ્લાના કોબ ગામે બનેલા ખૂનની કોશિશના ગુનામાં નવાબંદર મરીન પોલીસે ગણતરીના કલાકોમાં 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે. આરોપીઓએ ફરિયાદીના પુત્ર પર છરી અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગત તા. 28/એપ્રિલ/2026ના કોબ ગામે રહેતા બાનુબેન સલીમભાઈ શેખના પતિ પોતાની દુકાન આગળ ઊભા હતા. તે દરમિયાન આરોપી હાર્દિક, અક્ષય અને હરેશ મોટરસાયકલ લઈને નીકળ્યા અને ફરિયાદીના પતિને ભૂંડી ગાળો ભાંડીને જતા રહ્યા હતા. આ બાબતે સાહેદ સલીમભાઈ ઠપકો આપવા ગયા હતા. આ વાતનું મનદુ:ખ રાખીને ચોથા આરોપીએ સાહેદને ફોન પર ગાળો આપી હતી. બાદમાં આરોપી હાર્દિક, અક્ષય અને હરેશ હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપી હાર્દિકે ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે છરી મારી હતી. આરોપી અક્ષયે લોખંડના પાઇપ વડે કપાળના ભાગે હુમલો કર્યો હતો. જ્યારે આરોપી હરેશે ફરિયાદીના દીકરાને પકડી રાખી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે બાનુબેન સલીમભાઈ શેખે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 109(1), 115 (2), 118(1), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ એસ.પી. જયદિપસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીએ શરીર સંબંધી ગુના આચરતા ઈસમોને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.એસ.પી. જયદિપ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નવાબંદર મરીન પી. આઈ. જે.જે. પરમારની રાહબરીમાં પી.એસ.આઈ. એમ.એ. રાઠોડ અને સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી માહિતી એકત્ર કરીને સર્વેલન્સ સ્ટાફ તથા ચીખલી ઓ.પી. બીટના ઇન્ચાર્જે ખાનગી બાતમીદારોની મદદથી કોબ ગામેથી બે આરોપીઓને ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓ હાર્દિકભાઈ ઉર્ફે હાદો ભરત ભાઈ બારૈયા ઉ.વ. 22, રહે. કોબ અક્ષયભાઈ મેણસી ભાઈ બાંભણીયા, ઉ.વ. 23, રહે. કોબ બંને આરોપી ઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ