રાતરાણી સિંહણે 108ની સફર થંભાવી દીધી!

ડોળાસા-બોડીદર માર્ગ, વચ્ચે મધરાતે, ચોમેર ઘેરો અંધકાર અને નીરવ શાંતિમા સિંહ પરિવાર ટહેલવા નિકળ્યું

નિશાચર સન્નાટો ચીરતી 108 એમ્બ્યુલન્સની લાલ-ભૂરી લાઈટ ઝબકી રહી છે. ડોળાસા ગામેથી એક પ્રસૂતાને લેવા નીકળેલી આ જીવનરક્ષક વાન બોડીદર તરફ પૂરપાટ વેગે આગળ વધી રહી છે. ડ્રાઈવરના મન માં એક જ ધ્યેય: સમયસર પહોંચીને એક નવા જીવના આગમનને સલામત બનાવવું. અને અચાનક રસ્તાની વચ્ચોવચ પ્રકૃતિની રાણી સાક્ષાત પ્રગટ થઈ. ગીરની રાજરાણી સિંહણ, તેના ત્રણ નાનકડા બચ્ચાંઓ સાથે રસ્તો આંતરીને ઊભી રહી ગઈ. હેડલાઈટના અજવાળામાં ચમકતી આંખો, ગર્વિલી ચાલ અને માતૃત્વની અદભૂત છટા. સામે માનવસર્જિત મશીન થંભી ગયું. એક તરફ કર્તવ્ય, બીજી તરફ કુદરતનું અણનમ આધિપત્ય.એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બ્રેક મારી દીધી. એન્જિનનો ઘરઘરાટ શાંત થઈ ગયો. અંદર બેઠેલા ઈએમટી અને પાયલટના શ્વાસ અધ્ધર થઈ ગયા. કાચની પેલે પાર માત્ર એક હાથના અંતરે જંગલ નો રાજવી પરિવાર લટાર મારી રહ્યો હતો. બચ્ચાં નિર્ભયપણે માતાની આસપાસ રમતાં હતાં. સમયજાણે થંભી ગયો. ન કોઈ ઉતાવળ, ન કોઈ ગભરાટ. માત્ર પ્રકૃતિને માન આપવાની નમ્રતા.કેટલીક અમૂલ્ય પળો સુધી સિંહ પરિવારે રસ્તા પર સામ્રાજ્ય જમાવ્યું. પછી રાણીએ નજર ફેરવી, બચ્ચાંને ઈશારો કર્યો અને ધીમી, ગર્વભરી ચાલે જંગલની હદમાં અલોપ થઈ ગઈ. જાણે કહેતી હોય, આ માર્ગ અમારો પણ છે. સિંહણના ગયા બાદ એમ્બ્યુલન્સ ફરી એકવાર પોતાના પવિત્ર કર્તવ્યપથે આગળ વધી.
આ ઘટના શું શીખવે છે ?
આ કોઈ ભયાનક ઘટના નહોતી, પણ માનવ અને વન્યજીવનના સહઅસ્તિત્વની અલોકિક ઝાંખી હતી. ગીરના જંગલને અડીને આવેલા વિસ્તારોમાં આવા દ્રશ્યો અવારનવાર સર્જાય છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે સિંહોના પ્રદેશમાં મહેમાન છીએ. ધીરજ, સતર્કતા અને વનરાજ પરિવારને માન આપીને જ આપણે સહજીવન જીવી શકીએ.108ના ચાલકની સમયસૂચકતા અને સંયમ ખરેખર બિરદાવવા લાયક છે. એક તરફ પ્રસૂતાની તાકીદ હતી, તો બીજી તરફ સામે માતા સિંહણ પોતાના બચ્ચાં સાથે હતી. તેણે માનવતા અને પ્રકૃતિ બંનેનું સન્માન જાળવ્યું.
વન વિભાગની અપીલ
રાત્રિના સમયે ગીર પંથકના માર્ગો પર વાહન ધીમે ચલાવો. સિંહ કે અન્ય વન્યપ્રાણી દેખાય તો વાહન થોભાવી દો. હોર્ન ન વગાડવો, લાઈટ ઉપર-નીચે ન કરવી અને પ્રાણીને રસ્તો ઓળંગી જવા દેવો. તમારી સતર્કતા જ તમારી અને વન્યજીવોની સુરક્ષા છે.

રિલેટેડ ન્યૂઝ