ડોર -ટુ-ડોર કચરા કલેકશનની કામગીરી કરવી પડી બંધ

પોરબંદરમાં ડીઝલની અછતને લીધે અનેક વિસ્તારોમાં
વોર્ડ નં. 3ના એરપોર્ટ નજીકની સોસાયટીના રૂટ કરી દેવાયા બંધ: સરકારી બાબુઓ અને નેતાઓ ઇંધણનો ઓછો ઉપયોગ કરે તો આરો આવે!: ગ્રામ્યપંથકમાં પણ પંપો ઉપર અડધોથી એક કિ.મી. લાંબી લાગી વાહનોની લાઇનો

પોરબંદરમાં ડીઝલની અછતને લીધે અનેક વિસ્તારોમાં ડોર -ટુ-ડોર કચરા કલેકશનની કામગીરી બંધ કરવી પડી છે તો બીજી બાજુ ગ્રામ્યપંથકમાં પણ ભારે હોબાળો મચી ગયો છે અને અડધોથી એક કિ.મી. સુધી લાંબી વાહનોની લાઇનો લાગી ગઇ છે.
પોરબંદર શહેર સહિત જિલ્લાભારમાં જુદા જુદા પેટ્રોલપંપ પર ડીઝલ મેળવવા માટે વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે ત્યારે પુરવઠા અધિકારી એ.સી. ઓફીસમા બેઠા બેઠા ‘સબ સલામત’ના ભજનીયા ગાઇ રહ્યા છે. બીજી બાજુ પોરબંદરના અનેક પેટ્રોલપંપો ઉપર અડધોથી એક કિ.મી. સુધી લાંબી લાઇનો લાગી ગઇ છે ત્યારે તેની હવે અસર મહાનગરપાલિકાના તંત્રને પણ થઇ છે
જેમાં એવી વિગત બહાર આવી છે કે પેટ્રોલ ડીઝલની અછતને લીધે વોર્ડ નં. 3માં ઘર ઘર સુધી કચરો લેવા આવતા વાહનો વોર્ડના દરેક વિસ્તારમાં પહોંચી શકશે નહી તેથી લોકો સહકાર આપે તેવી અપીલ થઇ છે. એરપોર્ટ સામે સીતારામનગર, વૃજભુવન સોસાયટી, ધરમપુર, વનાણા, દિગ્વિજયગઢ, રાજીવનગર વગેરે વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં કચરો લેવાના વાહનો પહોંચી શકશે નહી કારણકે ડીઝલ નહી હોવાથી મનપાના વાહનો પણ લાઇનમાં ઉભા છે માટે લોકોએ પણ સહકાર આપવો જોઇએ તેવી અપીલ થઇ છે.
હનુમાનગઢ અને રાતડીમાં લાઇનો
પોરબંદર નજીકના હનુમાનગઢ અને રાતડી ગામે પણ ડીઝલ મેળવવા માટે લાઇનો લાગી છે. મધ્યરાત્રી સુધી હનુમાનગઢ ગામે લાંબી લાઇનોમાં લોકો તેમના વાહનો રાખીને અને કેરબા રાખીને ઉભેલા નજરે ચડયા હતા તો રાતડી ગામે પણ કેરબા રાખીને અને વાહનોના થપ્પેથપ્પા લગાડીને કલાકો સુધી ડીઝલ મેળવવા માટે લોકો લાઇનમાં ઉભા હતા. પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ થઇ રહી છે ત્યારે નેતાઓ અને અધિકારીઓએ પોતાનો વધારાનો ઇંધણ વપરાશનો ઉપયોગ અટકાવવો જોઇએ. તેવો પ્રજાજનોમાંથી સૂર ઉઠવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ