ઉના તાલુકા પંચાયતમાં નારી શક્તિનો દબદબો: 20 મહિલા સભ્યો સાથે ભાજપે સુકાન સંભાળ્યું

પ્રમુખ-ઉપપ્રમુખ સહિત શાસનની ધૂરા મહિલાઓના હાથમાં: દાયકાઓ બાદ કંઠાળ પંથકને મળ્યું પ્રતિનિધિત્વ: વૈશાલીબેન બાંભણીયા પ્રમુખ, પૂનમબેન બાંભણીયા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજયી, મહિલા સશક્તિકરણનું અનુપમ દૃષ્ટાંત

સ્થાનિક સ્વરાજની સંસ્થામાં નારીશક્તિના ગૌરવવંતા આરોહણ સાથે ઉના તાલુકા પંચાયતે આજે ઇતિહાસ રચ્યો છે. મહિલા સશક્તિકરણનું ઉત્તમ અને અનુપમ ઉદાહરણ પૂરું પાડતાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ જેવા સર્વોચ્ચ પદો ની જવાબદારી મહિલા નેતૃત્વને સોંપી છે. કુલ 26માંથી 20 સભ્યોના પ્રચંડ અને અડીખમ સમર્થન સાથેતાલુકા પંચાયત પર કેસરિયો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ગત તા. 28 એપ્રિલના રોજ જાહેર થયા બાદ તા. 22 મેના રોજ ઉના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો અંતિમ દિવસ હતો. ભા.જ.પા. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયા મુજબ આવેલ મેન્ડેટ અનુસાર પ્રમુખપદે શ્રીમતી વૈશાલીબેન પ્રકાશભાઈ બાંભણીયા તથા ઉપપ્રમુખ પદે શ્રીમતી પુનમબેન નીતીશભાઈ બાંભણીયા એ તાલુકા વિકાસ અધિકારી, ઉના સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. સામે કોઈપણ ઉમેદવારી ન નોંધાતાં બંને મહિલા આગેવાનોની બિનહરીફ વરણી જાહેર થતાં સમગ્ર તાલુકામાં વિજયોત્સવનો માહોલ છવાઈ ગયો છે. આમ, ઉના તા.પં.ની શાસનધૂરા હવે નારીશક્તિના સશક્ત હાથોમાં રહેશે.
પ્રમુખ-ઉપપ્રમુખની સાથે તાલુકા પંચાયતના અન્ય મહત્વના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવી છે.કારોબારી સમિતિના ચેરમેન તરીકે જીલુભાઈ રાણેકભાઈ ગોહિલ શાસક પક્ષના નેતા તરીકે સામત ભાઈ સર્દુલભાઈ ચારણીયા અને દંડક તરીકે હરીભાઈ પ્રતાપભાઈ ઝણકાટ ની નિયુક્તિ કરવામાં આવી છે. આ સુદ્રઢ સંગઠનાત્મક માળખા સાથે તાલુકા પંચાયત હવે વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનશે. દાયકાઓના લાંબા વિરામ બાદ કંઠાળ પ્રદેશને તાલુકા કક્ષાનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં ઉપેક્ષિત દરિયાકાંઠાના ગ્રામ્ય પટ્ટામાં આનંદની હેલી વછૂટી છે. લાંબા સમયથી વિકાસની ગતિ મંદ રહેલા સૈયદ રાજપરા બંદર સહિત ના કંઠાળ વિસ્તાર નાછેવાડાના માછીમારો અને ગ્રામજનો ની વેદનાને હવે વાચા મળશે. કોળી સમાજના યુવાનેતૃત્વ અને નારીશક્તિના અલૌકિક સંગમ થી હવે દરિયાઈ માર્ગે વસેલા ગામડાઓમાં વિકાસના ઉજ્જવળ ભવિષ્યના અજવાસ પથરાશે તેવી પ્રબળ આશા બંધાઈ છે. ઉપેક્ષિત બંદરીય પટ્ટાને હવે વિકાસની મુખ્યધારામાં સ્થાન મળશે.

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું માર્ગદર્શન: સુશાસનને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું
આ ઐતિહાસિક અવસરે ઉનાના કર્મઠઅનેલોકલાડીલા ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અંત:કરણપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, તાલુકાના પ્રજાજનોની અપેક્ષા અને આકાંક્ષા મુજબ સુશાસનને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી ‘સેવા-સુશાસન-ગરીબ કલ્યાણ’ના અમોઘ મંત્રને ચરિતાર્થ કરજો. તેમણે વિશેષ ભાર મૂક્યો કે પાણી, વીજળી, સડક, સ્વચ્છતા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધા ઓ છેવાડાના ગરીબ અને કંઠાળ પંથકના સાગરખેડૂ માછીમાર ભાઈઓ સુધી પહોંચાડવામાં આ નવું નેતૃત્વ સંજીવની સાબિત થાય.
મહિલા સશક્તિકરણની દિશામાં યુગાંતરકારી કદમ
આ પ્રસંગે તાલુકા પંચાયતના ભાજપના તમામ સદસ્ય ઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદે મહિલાઓની બિનહરીફ વરણી એ માત્ર રાજકીય ઘટના નથી, પરંતુ સમાજમાં સ્ત્રી-શક્તિ ના વધતા જતા પ્રભાવ અને નેતૃત્વ ક્ષમતાનું જીવંત પ્રમાણપત્ર છે.વૈશાલીબેન અને પુનમબેનનાસંવેદનશીલ, કર્તવ્યનિષ્ઠ અને પારદર્શી નેતૃત્વ હેઠળ ઉના તાલુકો વિકાસના નવા સોપાન સર કરશે. કાર્યકર્તાઓએ ઉત્સાહભેર સૂત્રોચ્ચાર કર્યો કે,વિજય એ માત્ર શરૂઆત છે, જનસેવા એ જ સાચી ઓળખ છે.કંઠાળ પંથકની જનતાને મળેલા આ અલૌકિક પ્રતિનિધિત્વ અને 20 સભ્યોના પ્રચંડ જનાદેશ થી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવાની દિશા માં યુગાંતરકારી પગલું માંડવામાં આવ્યું છે. શાસનની સુવાસ હવે તાલુકાના દરેક ખૂણે-ખાંચરે પહોંચશે તે નિશ્ચિત છે.

રિલેટેડ ન્યૂઝ