સમગ્ર ગોસ્વામી સમાજને સંગઠિત કરવા અને સામાજિક ઉત્કર્ષના હેતુથી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા આગામી તા. 24-05, રવિવારના રોજ ગાંધીનગર ખાતે મોદી સમાજની વાડી (મોઢ ભવન) રાંધેજા- પેથાપુર રોડ ગાંધીનગર ખાતે ભવ્ય મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા મહોત્સવ સવારે 9 થી બપોરે 3 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ગોસ્વામી સમાજના અગ્રણીઓ અને ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. 23મી મે શનિવારના રોજ રાતના પાટનગર મુકામેથી જ આ મહોત્સવની પૂર્વ તૈયારીઓનો પ્રારંભ થઈ જશે. રવિવારે સવારે 9:00 વાગ્યે ભગવા ધ્વજ રોપણ સાથે કાર્યક્રમની વિધિવત શરૂઆત થશે, જે બાદ પ્રાર્થના, સ્વાગત ગીત, સ્વાગત પ્રવચન અને સંમેલનના અધ્યક્ષની વરણી કરવામાં આવશે. આ મંગલ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ સમાજના દાતાઓ, તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ ક્ષેત્રના વિજેતા પ્રતિભાઓનું વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સામાજિક અને આધ્યાત્મિક મહા અધિવેશનમાં વિવિધ અખાડા અને મઠના લબ્ધપ્રતિષ્ઠિત સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે, જેમાં મુખ્યત્વે પ.પૂ. શ્રી નૃસિંહગિરિ બાપુ (કતારગામ, સુરત), પ.પૂ. મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી સ્વરૂપાનંદજી બાપુ (શિહોર), 1008 મહંતશ્રી કાર્તિકપુરીજી બાપુ (સિદ્ધપુર), જૂના અખાડા જુનાગઢના થાણાપતિ પ.પૂ. બુધ્ધગિરિ બાપુ, પ.પૂ. 1008 મહંતશ્રી સુખદેવપુરીજી ગુરૂ ડુંગરપુરી (બનાસકાંઠા), અને વડાવલી મઠના શક્તિપીઠાધિશ્વર શ્રી અતુલગિરિજી સહિતના ઉચ્ચ સંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ ભવ્ય આયોજનમાં રાજકીય અને પ્રશાસનિક ક્ષેત્રના ગૌરવવંતા મહાનુભાવો પણ હાજરી આપશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (ગાંધીનગર), શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રધ્યુમનભાઈ વાજા, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ (રાજકોટ), ધારાસભ્ય અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણ) તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગોસ્વામી સમાજનું ગૌરવ વધારતા ઉચ્ચ સરકારી અધિકારીઓ જેવા કે એડીશનલ કલેકટર કુ. શીતલબેન ગોસ્વામી, ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી (અમદાવાદ), ડી.વાય.એસ.પી. રવિન્દ્રગિરિ ગોસ્વામી (રાજપીપળા) અને આઈ.એફ.એસ. શ્રીમતી વિભાબેન એન. ગોસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
