રાજકોટ તાલુકા, ઉપલેટા, લોધિકા વિસ્તારમાં પાણીની તંગીને પહોંચી વળવા એક્શન પ્લાન

નર્મદાનું પાણી નથી મળતું ત્યાં બોર બનાવાશે નવી પાઈપલાઈન નાખવામાં આવશે : કલેક્ટર તંત્ર

રાજકોટ જિલ્લામાં ઉનાળાના આકરા તાપ અને નર્મદા પાઇપલાઇન દ્વારા પૂરતું પાણી ન મળવાની સમસ્યા વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને રાજકોટ તાલુકા, લોધિકા અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં પાણીની અછતને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારો, ખાસ કરીને લોધિકા અને રાજકોટના પેરિફેરલ ગામોમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી ન પહોંચતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ સમસ્યાને ઉકેલવા હાલમાં રોજિંદા ધોરણે અંદાજે 144 ફેરા દ્વારા 5,000 લિટરની ક્ષમતાના ટેન્કરો વડે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આગામી સમયમાં વરસાદ ખેંચાય અથવા પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બને, તો તેની સામે લડવા માટે એક ખાસ ’એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 60 લાખ રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જે વિસ્તારોમાં નર્મદાનું પાણી નથી પહોંચી રહ્યું, ત્યાં નવા બોર બનાવવામાં આવશે અને નવી પાઇપલાઇન નાખવાનું આયોજન છે. આ સમગ્ર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આગામી સમયમાં મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે.તંત્રના આ નિર્ણયથી સ્થાનિકોને રાહત મળવાની આશા બંધાઈ છે, કારણ કે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં પીવાના પાણીના વધતા સંકટને પહોંચી વળવા માટે આ આયોજન અત્યંત આવશ્ર્યક માનવામાં આવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ