ગોંડલમાં ચેક રિર્ટન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ

સંબંધીના નાતે 13 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા’તા : કોર્ટનો ચૂકાદો

ગોંડલમાં રહેતા ગૌરાંગભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલી રૂપિયા 13 લાખના ચેક રિટર્નની ફરિયાદમાં ગોંડલની અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી છે, સાથે જ લેણી રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે.
ગોંડલના રહેવાસી ગૌરાંગભાઈ સુશીલભાઈ મહેતાએ તેમના પડોશમાં રહેતા અને ઢોસાનો વ્યવસાય કરતા આરોપી નાડાર જ્ઞાનાસેલ્વી ક્રિસ્ટોબરને સંબંધોના દાવે રૂપિયા 13,00,000/- હાથઉછીના આપ્યા હતા. આ રકમ ફરિયાદીએ પોતાના એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાંથી ચેક દ્વારા આપી હતી, જે આરોપીના ખાતામાં જમા થઈ હતી. આ લેવડદેવડ પેટે આરોપીએ નોટરી સમક્ષ ફરિયાદી જોગ પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી.
ત્યારબાદ આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ પોતાની એચ.ડી.એફ.સી. બેંક, ગોંડલ શાખાનો રૂપિયા 13 લાખનો ચેક ગૌરાંગભાઈના નામે લખી આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાના ખાતામાં જમા કરાવતા તે ’ફંડ્સ ઇનસફિશિયન્ટ’ (અપૂરતા ભંડોળ) ના શેરા સાથે વણચુકવ્યો પરત ફર્યો હતો. આ મામલે કાનૂની નોટિસ પાઠવવા છતાં આરોપી દ્વારા કોઈ રકમ ન ચૂકવાતા આખરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન આરોપીના પતિએ ગૌરાંગભાઈ તથા ચંદ્રશેખરભાઈ જયસ્વાલભાઈ (જેમનું ચાલુ કેસ દરમિયાન અવસાન થયું છે) સામે પોલીસમાં અરજી કરી એવા આક્ષેપો કર્યા હતા કે તેઓએ રકમ વ્યાજે લીધી હતી અને મોટાભાગની રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી છે.
જોકે, ફરિયાદ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી ઊલટતપાસમાં આરોપીના પતિએ કબૂલ કર્યું હતું કે આ પોલીસ અરજીના અનુસંધાને કોઈ ગુનો દાખલ થયો નથી કે કોર્ટમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. આ સાથે જ ઊલટતપાસ દરમિયાન તેમણે ફરિયાદી અને આરોપી વચ્ચે આ આર્થિક વ્યવહાર થયો હોવાની વાત પણ સ્વીકારી લીધી હતી. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આ પોલીસ ફરિયાદ માત્ર કાયદાકીય કાર્યવાહીમાંથી છટકવા અને ગેરકાયદેસર દબાણ લાવવાના હેતુથી કરવામાં આવી હતી.
ગોંડલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને પ્રિન્સિપાલ સીનિયર સિવિલ જજ જે. એમ. ગજ્જર સાહેબે ફરિયાદ પક્ષના દસ્તાવેજી પુરાવા અને વિસ્તૃત દલીલો સાથે સહમત થઈને કડક ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપીને આ ગુનામાં દોષિત ઠેરવી 2 (બે) વર્ષની કેદની સજા ફટકારી છે. વધુમાં, આરોપીએ ફરિયાદ વાળી રૂપિયા 13 લાખની રકમ વાર્ષિક 9% ના વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કરાયો છે.
જો આરોપી વ્યાજ સહિતની આ વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ 6 (છ) મહિનાની સખત કેદની સજા ભોગવવી પડશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગૌરાંગભાઈએ પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે કરેલો સિવિલ (દિવાની) દાવો પણ કોર્ટે મંજૂર રાખ્યો છે અને તે હેઠળ પણ રૂપિયા 13,00,000/- વાર્ષિક 9% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી ગૌરાંગભાઈ સુશીલભાઈ મહેતા વતી ’ભંડેરી એડવોકેટ્સ – ગોંડલ’ ના વકીલ નિરંજય એસ. ભંડેરી, શિવલાલ પી. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર, પ્રજ્ઞા એન. ભંડેરી તથા લો સ્ટુડન્ટ સહાયક તરીકે ઉદિત આંબલીયા અને આયુષ હૂમર રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ