માંગરોળમાં વરસાદની પ્રથમ ઇનિંગમાં 106 ટકા, કેશોદમાં 75.13 ટકા અને માળિયામાં 70.08 ટકા વરસાદ
જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘાએ વિરામ લેતા અને ગઈકાલ બપોર બાદ વરાપ નીકળતા ધરતીપુત્રોએ પોતાના ખેતરોમાં હોંશે હોંશે વાવણી કરી, પરિવાર સાથે દંતારીયા લાડુની મોજ માણી હતી, જો કે, જિલ્લામાં ગત તા. 3 અને 4ના રોજ પડેલ ભારેથી અતિ ભારે વરસાદના કારણે “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ સર્જાયો છે. કેશોદ, માણાવદર, માળીયા હાટીના, માંગરોળ તથા ખાસ કરીને ઘેડના અનેક વિસ્તારોમાં હજુ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચિંતિત છે.
જુનાગઢ જિલ્લામાં આખો જૂન માસ વરસાદ ન થતા લોકો ભારે ચિંતિત હતા. ત્યારે જ જિલ્લામાં ગત તા. 3 અને 4ના રોજ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. અને માંગરોળ, માળીયા હાટીના, માણાવદર, કેશોદ સહિતના વિસ્તારમાં રુદ્ર રપ ધારણ કરી બારે મેઘ ખાંગા કરી દેતા અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું, ખેડૂતોના ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા હતા, નદી – નાળા છલકાયા હતા, જિલ્લાના 4 ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા, જિલ્લાના અનેક રસ્તાઓ પૂરના પાણીથી પ્રભાવિત થતા વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો, અનેક ગામો સંપર્ક વિહાણા બન્યા હતા. અને લોકોના જીવ તાળવે ચોટીયા હતા તો બીજી બાજુ તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ હતી.
જો કે, કેશોદ, માણાવદર અને માંગરોળ પંથકની સાથે ઘેડ વિસ્તારના અનેક ગામો અને ખેતરોમાં આજે પણ પાણી ભરાયા છે. છેલ્લા પાંચ દિવસથી અનેક ગામો હજુ પણ વીજળી વિહોણા રહ્યા છે. જો કે, તંત્ર દ્વારા રોડ – રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ ઘેડ વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી 12 જેટલા માર્ગો હજુ રીપેર થઈ શક્યા નથી. વીજળી પુરવઠો પ્રસ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરાય તેવી પરિસ્થિતિ નથી જેને લઈને અનેક ગામના લોકો હજુ પણ ઓશિયાળા બની રહ્યા છે.
જુનાગઢ જિલ્લામાં પ્રથમ વરસાદના માત્ર બે દિવસમાં જ માણાવદરમાં 342 મિમી; વંથલીમાં 242 મિમી; જૂનાગઢમાં 171 મિમી; ભેસાણમાં 176 મિમી; વિસાવદરમાં 223 મીમી; મેંદરડામાં 469 મીમી; કેશોદમાં 746 મીમી; માંગરોળમાં 1021 મીમી; માળીયા હાટીનામાં 787 મીમી તથા ગિરનાર અને ગિરનાર જંગલમાં 188 મીમી. સત્તાવાર રીતે નોંધાયો છે, જે જોતા માંગરોળ પંથકમાં વાર્ષિક સરેરાશ વરસાદ કરતા 6 ટકા વધુ એટલે કે 106.23 ટકા વરસાદ થઈ જવા પામ્યો છે. જ્યારે કેશોદમાં સરેરાશ વાર્ષિક વરસાદના 75.13 ટકા, માળીયાહાટીના માં સરેરાશ વાર્ષિક વરસાદના 70.78 ટકા અને મેંદરડામાં સરેરાશ વાર્ષિક વરસાદના 44.20 તેમજ માણાવદરમાં 36.81 ટકા જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે.
