ઉનાના નાથળ ગામે જાહેરમાં જૂગાર રમતા 7 શકુની ઝડપાયા

ઉના પોલીસે રૂ. 37 હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગીર સોમનાથ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉના પોલીસની સર્વેલન્સ સ્કોડે નાથળ ગામના ચોરા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી સાત જુગારીઓને રોકડ રકમ અને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યા છે. ઉના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે નાથળ ગામના ચોરા વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં રૂપિયા-પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા સાત શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 37,300 તથા જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતું સાહિત્ય કબજે કર્યું હતું. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પ્રવીણભાઈ સરમણભાઈ બાંભણીયા, દિનેશભાઈ ભાણાભાઈ સિલોત, ભુપતભાઈ પુંજાભાઈ પામક, ભાવેશભાઈ ભાણાભાઈ સિલોત, દીપકભાઈ નથુભાઈ પરમાર, શંભુભાઈ ડાયાભાઈ સિલોત અને ધીરૂભાઈ મોહનભાઈ ગઢીયા, તમામ રહે. નાથળ ગામ, તા. ઉના, નો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ