ઉનાના ભાચા ગામના ગઢ વિસ્તારમાંથી નર દીપડો પાંજરે પુરાયો

ગ્રામજનોમાં રાહત; જસાધાર વન વિભાગે એનિમલ કેર સેન્ટરે ખસેડ્યો

ઉના તાલુકાના ભાચા ગામના રામજી મંદિર નજીક આવેલા ગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાડીમાં જવા તેમજ રાત્રિના સમયે બહાર નીકળવામાં લોકો ડર અનુભવતા હતા. દીપડો અનેક વખત રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતો હોવાથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
જસાધાર વન વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગઢ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આખરે આજે વહેલી સવારે બચુભાઈ ભગાભાઈ બારીયાના ઘર નજીક એક નર દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ જસાધાર વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી બાદ દીપડાને સુરક્ષિત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ વન વિભાગની માર્ગદર્શિકા મુજબ તેને સલામત રીતે જંગલમાં મુક્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાની અવરજવર જોવા મળતી હોવાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ રહે છે. વન વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ