ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત
સમગ્ર રાજ્યમાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે. આ પરિસ્થિતિમાં હાલ તળિયા જાટક બની રહેલા જિલ્લાના જુદા જુદા મહત્વના જળસ્ત્રોતોને “સૌની” યોજના હેઠળ પાણીથી ભરવા માટે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસાની સીઝન ઘણીખરી વીતી ચૂકી છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તદ્દન નહીવત કહી શકાય તેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ઓખા મંડળમાં તો માત્ર અડધો ઈંચ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ માત્ર બે ઈંચ વરસાદથી હાલ ખૂબ જ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લામાં પાક-પાણીનું ચિત્ર હાલ ધૂંધળું દેખાઈ રહ્યું છે અને ધરતીપુત્રો સાથે શહેરીજનોના મનમાં પણ ચિંતાના વાદળો ઘેરાયેલા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા મહત્વના એવા ઘી ડેમ, ઓખા મંડળની જીવાદોરી સમાન કલ્યાણપુરનો સાની ડેમ જેવા મહત્વના જળ સ્ત્રોતો “સૌની” યોજના હેઠળ નર્મદાના નીરથી ભરી દેવામાં આવે તે મુદ્દે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને ખાસ રજૂઆત કરવામાં આવી છે. હાલ ખંભાળિયાનો ઘી ડેમ ડેડ વોટર લેવલ સુધી પહોંચી ગયો છે. અને સાની ડેમ પણ ખાલીખમ છે. ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ ન થાય તે બાબતને ધ્યાનમાં લઈને જિલ્લાને સૌની યોજનાના પાણી મળી રહે તેવી માંગ જિલ્લાની જનતામાં ઉઠી રહી છે.
