ગીરમાં રસ્તા પર નીકળ્યો વનરાજ, સામે બાઈક ચાલક આવી પહોંચ્યો

આંખ મળી અને બંને પોત પોતાના માર્ગે આગળ વધ્યા

સિંહનું નામ સાંભળતા જ મનમાં જંગલ, રોમાંચ અને વનરાજની કલ્પના ઉભી થઈ જાય છે. ગીરની ધરતી પર તો સિંહને માત્ર જંગલની હદમાં જ નહીં, પરંતુ અનેક વખત માનવ વસાહત નજીક કે રસ્તા પર પણ નિહાળવાનો લહાવો મળે છે. ગીર વિસ્તારમાં સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વના આવા અનેક અદભુત દૃશ્યો જોવા મળે છે.આવો જ એક રોમાંચક અને કુદરત સાથેના સહઅસ્તિત્વનો વીડિયો હાલ સામે આવ્યો છે. ગીર અભ્યારણ્ય વિસ્તારમાં છોડવડીથી દરખાણીયા તરફ જતા માર્ગ પર એક વનરાજ રસ્તા પર વિચરણ કરતો જોવા મળ્યો હતો. એ જ સમયે સામેથી એક બાઈક ચાલક આવી પહોંચ્યો હતો. રસ્તા પર અચાનક વનરાજને જોઈ બાઈક ચાલક અને સિંહની એકબીજા સામે નજર મળી હતી.
થોડી જ ક્ષણો માટે સર્જાયેલું આ દૃશ્ય જાણે કુદરત અને માનવ વચ્ચેના મૌન સંવાદ જેવું લાગતું હતું. સિંહે બાઈક ચાલક તરફ નજર કરી અને પોતાનામાં મસ્ત બની આગળ વધતો રહ્યો. પ્રથમ બાઈક ચાલક પણ સાવચેતીપૂર્વક વનરાજ પાસેથી પસાર થઈ ગયો હતો. દરમિયાન પાછળથી અન્ય એક બાઈક ચાલક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. સામે સિંહને જોઈ તેણે બાઈક રોકી દીધી હતી. બાઈક ચાલુ ન થતાં તે વનરાજ તરફ જોતો રહ્યો હતો. બીજી તરફ વનરાજે પણ બાઈક ચાલક તરફ નજર કરી, પરંતુ કોઈ આક્રમકતા દર્શાવ્યા વિના પોતાની જ મસ્તીમાં આગળ વધ્યો હતો. આ સમગ્ર ઘટનામાં એક તરફ ગીરનો વનરાજ પોતાના સ્વભાવ મુજબ શાંતિથી રસ્તો પસાર કરતો જોવા મળ્યો, તો બીજી તરફ બાઈક ચાલકોએ પણ સિંહને ઉશ્કેર્યા વિના સાવચેતી રાખી હતી. બંને વચ્ચે જાણે એકબીજાની હદ અને હાજરીનું મૌન સન્માન જોવા મળ્યું હતું. ગીરમાં સિંહ અને માનવ વચ્ચેનું આ સહઅસ્તિત્વ અનેક વખત કેમેરામાં કેદ થતું રહે છે. અહીં વનરાજને નજીકથી જોવાનો રોમાંચ તો હોય જ છે, પરંતુ તેની સાથે સાવચેતી અને અંતર જાળવવું પણ એટલું જ જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ