વિસાવદરમાં મહિલાનું ગળુ કાપી હત્યા

શંકાસ્પદ શખ્સે પણ ઝેરી દવા પીધી : પોલીસે હાથ ધરી ઝીણવટભરી તપાસ

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના વાડી વિસ્તારમાં એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં 40 વર્ષીય પરણિતા સુમિતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઇ ગોહિલની તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરવામાં આવી છે. મહિલાનો મૃતદેહ વાડી વિસ્તારમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કબ્જે લઈ પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચકચારી હત્યા કેસમાં પોલીસે પ્રાથમિક તપાસના આધારે પ્રેમપરા ગામના જ 42 વર્ષીય અરજણ ગોવિંદભાઈ બાડેલીયા નામના શખ્સ સામે મુખ્ય શકદાર તરીકે શંકા દર્શાવી છે. બીજી તરફ, આ ઘટના બાદ શકદાર અરજણ બાડેલીયાએ પોતે પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. ઝેરની અસર થતા તેની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેને આઈસીયુ (ઈંઈઞ) વોર્ડમાં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે ? અને શકદાર તથા મૃતક મહિલા વચ્ચે શું સંબંધ કે બોલાચાલી થઈ હતી ? તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. વિસાવદર પોલીસ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા શકદાર શખ્સની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેની પૂછપરછ બાદ જ હત્યાના સાચા કારણનો પર્દાફાશ થશે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વિવિધ દિશાઓમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ