એસ્સાર ગ્રુપ અમેરિકામાં બનાવશે ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ: ટ્રમ્પેે કરી જાહેરાત

ભારતનું એસ્સાર ગ્રુપ અમેરિકામાં 18 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે ; લોવા રાજ્યમાં 15 અબજ ડોલરના ખર્ચે વિશ્ર્વનો અદ્યતન સ્ટીલ પ્લાન્ટ આકાર પામશે

વિદેશની ધરતી પર ભારતીય કંપની દ્વારા કરવામાં આવતાં સૌથી મોટા રોકાણોમાંથી એક એવું ભારતનું પ્રખ્યાત એસ્સાર ગ્રુપ અમેરિકામાં 18 અબજ ડોલરનું વિશાળ રોકાણ કરવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ અમેરિકાનાં લોવા રાજ્યમાં 15 અબજ ડોલરના ખર્ચે એક વિશાળ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. લોવા ખાતે યોજાનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કરી હતી.
આ પ્રસંગે એસ્સાર ગ્રુપનાં પ્રમોટર રુઇયા પરિવારનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેે આ યોજનાને દેશનાં ઇતિહાસમાં એક મોટો આર્થિક વિજય ગણાવતાં જણાવ્યું હતું કે, લોવા ખાતે નિર્માણ પામનાર આ પ્લાન્ટ માત્ર અમેરિકાનાં ઇતિહાસનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વનાં સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ્સમાંથી એક બનશે. આ પ્રોજેક્ટનું નિર્માણ એસ્સાર ગ્રુપની અમેરિકી સબ્સિડિયરી ’મેસાબી મેટાલિક્સ’ દ્વારા કરવામાં આવશે.
આ પ્લાન્ટ મિનેસૌટામાં કંપનીનાં અગાઉનાં ઓપરેશન્સમાંથી કાચું લોખંડ મેળવીને એક સંકલિત સ્ટીલ સપ્લાય ચેઇનનો ભાગ બનશે, જેનું સંપૂર્ણ ઉત્પાદન અમેરિકાની અંદર જ થશે.
આ વિશાળ સ્ટીલ પ્લાન્ટમાં વર્ષ 2030થી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એકવાર પૂરેપૂરો સક્રિય થયા બાદ આ પ્લાન્ટ દર વર્ષે 1 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે. ટ્રમ્પેે ઉમેર્યું હતું કે, અમેરિકી સ્ટીલ ઉદ્યોગ ઝડપથી પાટા પર પાછો ફરી રહ્યો છે,
જેનું મુખ્ય કારણ સ્ટીલની આયાત પર લાદવામાં આવેલો 50 ટકા ટેરિફ છે. વિદેશી કરથી બચવા માટે વિશ્વભરની અગ્રણી કંપનીઓ હવે અમેરિકામાં પોતાનાં પ્લાન્ટ સ્થાપી રહી છે.
મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રુઇયાએ અમેરિકામાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1969માં શશી રુઇયા અને રવિ રુઇયા દ્વારા સ્થપાયેલું એસ્સાર ગ્રુપ ભારતમાં ગુજરાતનાં હજીરા ખાતે દેશનો સૌથી મોટો સિંગલ-લોકેશન સ્ટીલ પ્લાન્ટ અને વાડીનારમાં રિફાઇનરીનો અનુભવ ધરાવે છે.
આ સિવાય ગ્રુપે યુકેની સ્ટેનલો રિફાઇનરી પણ હસ્તગત કરી છે અને સાઉદી અરેબિયામાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટની યોજના ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ