ભાવનગરના વીરડી ગામે આધેડની હત્યાના ત્રણેય આરોપીઓ ઝડપાયા

જમીન બાબતના વિવાદને કારણે હત્યા કરાઇ હતી

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વીરડી ગામે આધેડ પર જીવલેણ હમલો કરી તેમની હત્યા નિપજાવવામાં આવી હતી.આ બનાવ અંગે ગારિયાધાર પોલીસે ત્વરિત અને સઘન કાર્યવાહી હાથ ધરીને ગણતરીની કલાકો માં જ હત્યાની ઘટનામાં સંકળાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે એકલા રહીને સેન્ટિંગ કામ કરી ગુજરાન ચલાવતા 56 વર્ષીય આનંદભાઈ પુંજાભાઈ કંઢારીયા બપોરના સમયે પોતાના ઘરે હતા. તે વેળાએ અચાનક હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તેમના પર પાઇપ અને ધોકા વડે હિંસક હમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આનંદભાઈને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ગારિયાધાર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ધટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. ગારિયાધાર પોલીસે આ મામલે રમેશભાઈ બઘાભાઈ કંઢારીયા, ચિરાગભાઈ રમેશભાઈ કંઢારીયા અને મહેશભાઈ પ્રવીણભાઈ કંઢારીયા સામે ગુનો દાખલ કર્યો હતો.
જમીન સંબંધિત જુના વિવાદ અને મનદુ:કના કારણે આ ઘટના બની હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે તેમજ ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ ચાલુ રાખી છે.

રિલેટેડ ન્યૂઝ