તેલ કંપનીઓ માટે ડાયરેક્ટ વિન્ડો, ડેરિવેટીવ્ઝમાં સટ્ટાખોરી રોકવાના પગલાથી જોરદાર ઉછાળો
મધ્ય પૂર્વના યુધ્ધ સહિતના ઘટનાક્રમોની અસર હેઠળ લાંબા વખતથી ડોલર સહિતની વિદેશી કરન્સી સામે દબાણ હેઠળ રહેલા ભારતીય રુપિયાએ આજે ‘હાઇ-જમ્પ’ લગાવ્યો હતો. એક જ દિવસમાં 102 પૈસાનો તોતીંગ ઉછાળો નોંધાયો હતો. રિઝર્વ બેન્કના શ્રેણીબધ્ધ પગલાની અસર હોવાનું મનાય છે.
કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો 95.71 સાંપડ્યો હતો. શુક્રવારના 96.73ની સરખામણીએ 102 પૈસાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો.
કરન્સી માર્કેટના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે રૂપિયા પરનું દબાણ ઘટાડવા રિઝર્વ બેંકે ગત શનિવારે જારી કરેલા પેકેજની અસર હતી. આરબીઆઇ દ્વારા ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલીયમ તથા હિન્દુસ્તાન પેટ્રોલીયમ જેવી ત્રણ સરકારી તેલ કંપનીઓ માટે ડોલર સપ્લાયની ખાસ વિન્ડો ખોલવાની જાહેરાત કરી હતી તેને કારણે તેલ કંપનીઓને રોજેરોજ સ્પોટ માર્કેટમાંથી ખરીદી કરવાની જરૂર નહીં રહે અને માર્કેટ પર દબાણ ઘટી શકશે.
આ સિવાય ફોરેન એકસચેંજ ડેરિવેટીવ્ઝના નિયમો કડક કર્યા હતા. સટ્ટાખોરી નિવારવા માટે ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટ પર 20 ટકાનું ફોરેક્સ રિસ્ક રિઝર્વ જાળવવાનું ફરજીયાત બનાવ્યું હતું. આ બંને પગલાની અસર થઇ હોય તેમ ડોલર સામે રુપિયો ગેપથી ખુલ્યો હતો અને સતત ઉંચકાતો રહ્યો હતો. શુક્રવારના 96.73ની સરખામણીએ 75.76 ખુલ્યો હતો અને બપોરે 95.72 સાંપડ્યો હતો. કરન્સી માર્કેટમાં આજે ભારતીય રુપિયો સમગ્ર એશિયાના સૌથી સ્ટ્રોંગ ચલણ તરીકે ઉભર્યો હતો. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રુપિયામાં 6.6 ટકાનો કડાકો હોવાનું ઉલ્લેખનીય છે.
કરન્સી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રુપિયો ઉંચકાયા બાદ હવે સ્થિર થઇ શકે છે. જો કે, રુપિયો ઘટતો અટકે તો પણ બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રેસર હળવું ન થઇ શકે એટલું જ નહીં, લાંબાગાળાના ટ્રેન્ડનો આધાર ક્રૂડના ભાવ, વિદેશી મૂડી રોકાણ તથા અમેરિકી ડોલર પર જ નિર્ભર રહેશે.
