નવરાત્રી ઉપવાસમાં મસાલેદાર ખાવાનું મન થાય તો બનાવો ચટપટી રાજગીરા ટિક્કી: નોંધી લો સરળ રેસીપી

નવરાત્રીના ઉપવાસ દરમિયાન રોજ-રોજ એક જ સરખો ખોરાક ખાઈને કંટાળી ગયા હો અને સાંજના સમયે કંઈક કરકરું, ટેસ્ટી અને મસાલેદાર ખાવાની ઈચ્છા થાય, તો સાબુદાણાની ખીચડી કે મોરૈયા સિવાય રાજગીરા ટિક્કી એક ઉત્તમ વિકલ્પ છે. રાજગીરા પૌષ્ટિક હોવાની સાથે સાથે તેનાથી બનતી વાનગીઓ સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. ચાલો જાણીએ રાજગીરા ટિક્કી બનાવવાની રીત:

જરૂરી સામગ્રી

  • રાજગીરાનો લોટ: ૧ કપ
  • બાફેલા બટાકા: ૨ મોટા (સરખી રીતે છૂંદેલા)
  • લીલા મરચાં: ૨ (બારીક સમારેલા)
  • આદુ: ૧ ચમચી (છીણેલું)
  • શેકેલું જીરું પાવડર: ૧/૨ ચમચી
  • સિંધવ મીઠું (ફરાળી મીઠું): સ્વાદ મુજબ
  • લીલા ધાણા: ૨ ચમચી (બારીક સમારેલા)
  • લીંબુનો રસ: ૧ ચમચી
  • તેલ અથવા ઘી: શેકવા/તળવા માટે

બનાવવાની રીત

૧. મિશ્રણ તૈયાર કરો:

સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા અને છૂંદેલા બટાકા લો. હવે તેમાં રાજગીરાનો લોટ, લીલા મરચાં, છીણેલું આદુ, શેકેલું જીરું, સ્વાદ મુજબ સિંધવ મીઠું, લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.

૨. કણક (લોટ) બાંધો:

બધી સામગ્રીને સરખી રીતે મસળીને નરમ લોટ જેવું મિશ્રણ તૈયાર કરો. જો મિશ્રણ થોડું કોરું લાગે તો જ એકાદ ચમચી પાણી ઉમેરવું.

૩. ટિક્કીનો આકાર આપો:

હાથમાં મિશ્રણ ચોંટે નહીં તે માટે હથેળીમાં થોડું ઘી કે તેલ લગાવો. ત્યારબાદ મિશ્રણમાંથી નાના લુઆ બનાવી હથેળી વચ્ચે હળવા હાથે દબાવીને ગોળ ટિક્કીનો આકાર આપો.

૪. ટિક્કી શેકી લો:

ગેસ પર નોન-સ્ટીક તવો ગરમ કરવા મૂકો અને તેના પર થોડું ઘી કે તેલ લગાવો. તૈયાર કરેલી ટિક્કીઓને તવા પર મૂકી ધીમાથી મધ્યમ તાપ પર શેકો. એક બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય એટલે કાળજીપૂર્વક પલટાવી બીજી બાજુ પણ ઘી લગાવીને શેકી લો.

બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. તમારી ગરમાગરમ અને ચટપટી રાજગીરા ટિક્કી તૈયાર છે. તેને ફરાળી લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો.

રિલેટેડ ન્યૂઝ