લડતા લડતા આવેલા બે આખલાને ભગાડવા જતા થયો ડખ્ખો: કોદાળી, લાકડી વડે થઇ ધમાલ
પોરબંદરના મહોબતપરા ગામે બાખડી રહેલા આખલાઓ પ્રશ્ર્ને માનવીઓ બાખડતા સામસામી પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
આધેડની ફરિયાદ
મહોબતપરાની પ્રાથમિક શાળા પાસે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા ભાયાભાઇ કરશનભાઇ ચાવડા નામના 58વર્ષના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેના ઘરની પાસે બંધ દુકાનના આગળના ભાગે હીંડોળા પર બેઠા હતા અને તેમના જ ગામનો રાજુ વલ્લભ ધરસંડીયા તેનું બાઇક લઇને ફરીયાદીના ઘરની સામે આવેલ જીનાબાપુની બંધ દુકાનના ઓટલે બેઠો હતો. એ દરમ્યાન પોણા દસ વાગ્યે ફરીયાદીના ઘરની આગળ આવેલ ગૌશાળા બાજુથી બે આખલા બાખડતા બાખડતા ભાયાભાઇ તરફ આવતા તેઓ કોઇને લગાડી દે નહી તે માટે ત્યાંથી ભગાડયા હતા તે દરમ્યાન સામે બેસેલ રાજુ ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને ત્યારબાદ ચાલ્યો ગયો હતો. થોડીવાર પછી લાકડાના હાથામાં ફીટ કરેલી કોદાળી લઇને રાજુ ધરસંડીયા આવી પહોંચ્યો હતો અને ફરીયાદીના માથાના વચ્ચેના ભાગે ઘા મારી દેતા લોહીલુહાણ થઇ ગયો હતો અને બુમાબુમ કરતા તેના પત્ની અને પુત્ર દોડીને બહાર આવી ગયા હતા. રાજુએ એવુ કહયુ હતુ કે ‘હવે તુ મારી સાથે ઝઘડો કરીશ તો તને જીવતો નહી મૂકુ’ કહી ચાલ્યો ગયો હતો અને ફરીયાદીને કારમાં સુવડાવીને કુતિયાણાની સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લવાયો છે જ્યાંથી ફરિયાદી ભાયા કરશન ચાવડાએ આરોપી રાજુ વલ્લભ ધરસંડીયા સામે ફરિયાદ નોંધાવી છે કે ‘તે ખુંટીયા મારી મોટરસાયકલ બાજુ કેમ ભગાડયા?’ કહીને ગાળો દઇને માર માર્યો છે.
ક્રોસ ફરિયાદ
સામેપક્ષે મહોબતપરા ગામે રામમંદિરવાળી બજારમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ વલ્લભ ધરસંડીયા ઉ.વ. 53 દ્વારા ક્રોસ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં એવુ જણાવ્યુ છે કે તે ગામના બસસ્ટેશન ખાતે બાઇક પાર્ક કરીને બેઠો હતો તે દરમ્યાન બે આખલા બાખડતા બાખડતા આવ્યા હતા જેથી ભાયા કરશન ચાવડાએ લાકડીવડે તેઓને જુદા પાડતા એક ખુંટીયો ભાગી ગયો હતો અને બીજો ઉભો હતો. જેને ભાયાએ મારતા તે ફરીયાદીના મોટરસાયકલ પાસેથી ઝડપથી નીકળતા રાજુએ તેને ‘ખુંટીયાને નિરાંતે હકાતો નથી? હમણાં મારુ બાઇક પાડી નાખત’ તેમ કહેતા તે ગાળો આપવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ તેને ‘તું ગાળો બોલમાં તું બધાને સરખા સમજમાં’ તેમ કહીને ફરિયાદી તરફ આવવા લાગ્યો હતો. જેથી ફરિયાદીને બીક લાગતા મોટાબાપા રણછોડભાઇ વાઘજીભાઇના ઘરે જતો રહયો હતો અને ત્યાંથી કોદાળીલઇને બહાર નીકળતા ભાયો ફરીયાદી રાજેશને મારવા દોડયો હતો આથી ભાયાના મારથી બચવા કોદાળી આડી રાખતા ઝપાઝપીમાં તે ભાયાને અડી ગઇ હતી. અને તે દરમ્યાન તેનો દીકરો લખન પણ લાકડી લઇને આવી ગયો હતો અને બાપ દીકરો લાકડી વડે મારવા લાગ્યા હતા અને હત્યાની ધમકી પણ આપી હતી. જેથી ફરીયાદીએ કુતિયાણા પોલીસને જાણ કરતા પોલીસની વાનમાંજ બેસીને પોલીસમથકે ગયા હતા અને ત્યાંથી સારવાર માટે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને ત્યારબાદ તેને માર મારનાર ભાયા કરશન ચાવડા સામે ગુન્હો નોંધાવ્યો છે.
