ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની ભારે ફટકાર: ‘તમારી જગ્યા જેલમાં છે, ક્યારે બોલવું એ ખબર હોવી જોઈએ’

₹7.5 કરોડના ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે અદાલતના આદેશોનું સતત અનાદર કરવા અને નાણાંની ચૂકવણીમાં વિલંબ કરવા બદલ રાજપાલ યાદવ સામે સખત નારાજગી વ્યક્ત કરી કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમલ્યા બાગચીએ ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, “આ ઘમંડને તેની યોગ્ય જગ્યાએ મૂકવો પડશે. તમને ખબર હોવી જોઈએ કે ક્યારે મોઢું ખોલવું, તમારી જગ્યા જેલમાં છે.”
₹50 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટની ફોટોકોપી રજૂ કરતા કોર્ટ લાલઘૂમકેસની સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે કોર્ટ સમક્ષ ₹50 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટની મૂળ નકલને બદલે માત્ર ફોટોકોપી રજૂ કરી હતી. આ બાબતથી સુપ્રીમ કોર્ટ અત્યંત નારાજ થઈ હતી. અદાલતે સ્પષ્ટ કહ્યું કે ચુકવણીના કેસમાં આવી હળવાશ અને વિલંબ સહન કરી શકાય નહીં. કોર્ટે જણાવ્યું કે જ્યારે ચુકવણીનો આદેશ આપવામાં આવે છે ત્યારે તેનું ગંભીરતાથી પાલન થવું જોઈએ.
અરજી ફગાવી દેવાની તૈયારી હતી, પણ ફરિયાદીના હિતમાં આપી તકસુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે તે રાજપાલ યાદવની અરજી ફગાવી દેવાની જ તરફેણમાં હતી. પરંતુ ફરિયાદીને તેના બાકી નાણાં મળી રહે તે હેતુથી અદાલતે તાત્કાલિક અરજી રદ કરી ન હતી અને ચૂકવણી માટે એક છેલ્લી તક આપવાનો નિર્ણય કર્યો હતો.
આવતીકાલ સુધી ચૂકવણી કરવાનો આખરી આદેશઅદાલતે રાજપાલ યાદવને તમામ નાણાકીય લેણદેણ પૂર્ણ કરવા માટે આવતીકાલ સુધીની અંતિમ સમયમર્યાદા આપી છે. આ કેસની આગળની સુનાવણી આવતીકાલે (બુધવારે) પ્રથમ કેસ તરીકે હાથ ધરવામાં આવશે. જો નિર્ધારિત સમયમાં નિર્દેશોનું પાલન નહીં થાય તો અભિનેતા સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
શું છે સમગ્ર વિવાદ?આ વિવાદ ₹7.5 કરોડની મોટી રકમની લોન અને ચેક બાઉન્સ સાથે જોડાયેલો છે. રાજપાલ યાદવે લીધેલી લોનની ભરપાઈ માટે આપેલા ચેક બાઉન્સ થતાં મામલો અદાલતે પહોંચ્યો હતો. કોર્ટે તેમને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ લાંબા સમયથી ચૂકવણીમાં વિલંબ થતાં અને આદેશોનું કડક પાલન ન થતાં અંતે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવવું પડ્યું છે.

રિલેટેડ ન્યૂઝ