વિશ્ર્વ પ્રવાસન દિવસના અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોર્ટલનું લોન્ચિંગ
ગુજરાતને દેશના અગ્રણી સિનેમેટિક ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બર, વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ આ પોર્ટલનો ઉદ્દેશ ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે જરૂરી પરમિશન પ્રક્રિયાને વધુ સરળ, સુવ્યવસ્થિત અને ફિલ્મમેકર્સ માટે સુવિધાજનક બનાવવાનો છે. જે ગુજરાત પ્રવાસન કમિશનર ની વેબસાઇટ મારફત એક્સેસ કરી શકાશે.
સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ મારફતે ફીચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી, વેબ સિરીઝ, એડ ફિલ્મ વગેરેના શૂટિંગ માટે જરૂરી પરમિશન મેળવવાની પ્રક્રિયા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પહેલથી ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ કરવા ઇચ્છતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ, પ્રોડક્શન હાઉસ તથા લાઇન પ્રોડ્યુસર્સ માટે પરમિશન પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે.
ગુજરાતના સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલને ભારત સરકારના ‘ઇન્ડિયન સિને હબ’ પોર્ટલ સાથે બાય-ડિરેક્શનલ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. ‘ઇન્ડિયન સિને હબ’ સમગ્ર ભારતમાં સિનેમા અને એન્ટરટેઇનમેન્ટ સંબંધિત પરમિશન માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ એકીકરણના પરિણામે ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે પરમિશન મેળવવાની પ્રક્રિયાને રાષ્ટ્રીય સ્તરની સિસ્ટમ સાથે જોડવામાં આવી છે.
પોર્ટલના અમલીકરણ માટે ગુજરાતની જિલ્લા કલેક્ટર કચેરીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ અને લાઇન પ્રોડ્યુસર્સને પોર્ટલ અંગે તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ દ્વારા સંબંધિત અધિકારીઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હિતધારકોને પોર્ટલની કાર્યપ્રણાલી અને પરમિશન પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
27 સપ્ટેમ્બર, વિશ્વ પ્રવાસન દિવસના અવસરે આ પોર્ટલનું લોન્ચિંગ ગુજરાતના સિનેમેટિક ટુરિઝમ ક્ષેત્રે ડિજિટલ સુવિધાઓના વિસ્તરણ અને ફિલ્મ ઉદ્યોગ માટે વધુ અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
ગુજરાતનો ઐતિહાસીક વારસો વિશ્ર્વના ફિલ્મી પદડે ચમકશે
ગુજરાત પાસે ઐતિહાસિક વારસો, સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય, દરિયાકિનારો, રણ, પ્રાચીન સ્થાપત્ય અને વિવિધ પ્રવાસન સ્થળો જેવી વૈવિધ્યસભર લોકેશન્સ ઉપલબ્ધ છે, જે ફિલ્મ શૂટિંગ માટે વિશિષ્ટ તકો પૂરી પાડે છે. સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ દ્વારા આ લોકેશન્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સુધી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત ટુરિઝમનો ઉદ્દેશ રાજ્યને પ્રાધાન્યલક્ષી સિનેમેટિક ટુરિઝમ અને ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો છે. ફિલ્મ શૂટિંગને પ્રોત્સાહન મળવાથી રાજ્યના પ્રવાસન સ્થળોની વૈશ્વિક પહોંચ વધવાની સાથે સ્થાનિક રોજગારી, હોસ્પિટાલિટી, પરિવહન અને અન્ય સંબંધિત ક્ષેત્રોને પણ વેગ મળવાની અપેક્ષા છે.
