ગટરનું કામ સત્વરે પૂર્ણ કરવા ડી.ડી.ઓ.એ આદેશ આપ્યો હોવા છતાં રાણાવાવ તાલુકા પંચાયત દ્વારા કામગીરી નહી થયાનો આક્ષેપ: નવરાત્રિ સુધીમાં કામ પૂરુ નહી થાય તો તાલુકા પંચાયત કચેરીમાં રમશે ગરબા !
નકલંકધામ ઠોયાણા ખાતે માઇ ભકતોને ગટરના પાણીમાં ગરબા રમવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે અને ગટરનું કામ સત્વરે પૂર્ણ કરવા ડી.ડી.ઓ.એ આદેશ આપ્યો હોવા છતાં રાણાવાવ તાલુકા પંચાયત દ્વારા કામગીરી નહી થયાનો આક્ષેપ કરાયો છે.
સરકારી બાબુઓની કાર્યશૈલી પણ કેવી અજાયબ છે! ઉપરના અધિકારી કાગળ લખીને આદેશ આપે અને નીચેના અધિકારીઓ એ આદેશ પર ઘોરીને ઊંઘી જાય! રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે મંજૂર થયેલ ગટર લાઈનના કામમાં વહીવટી તંત્રની આવી જ ‘અદ્ભુત’ અને શરમજનક લાપરવાહી સામે આવી છે.
આમ આદમી પાર્ટીના કુતિયાણા વિધાનસભા પ્રભારી અને સ્થાનિક આગેવાન મેરૂભાઈ ઓડેદરાએ તંત્રની આળસ પર કડક શબ્દોમાં કટાક્ષ કરતા જણાવ્યું છે કે, જિલ્લા પંચાયત પોરબંદરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા. 17/09/2026 ના રોજ કડક પત્ર લખીને રાણાવાવ ને સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હતો કે અરજી અંગે નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી કરી પ્રત્યુત્તર પાઠવવો. પરંતુ રાણાવાવ તાલુકા પંચાયતના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી! અધિકારીના ના આદેશને જાણે રદ્દી કાગળ સમજીને ડબ્બામાં નાખી દેવાયો છે.
‘ગટરના ભૂંગળા નથી મળતા’
તેવું નાટક બંધ કરો
મેરૂભાઈ ઓડેદરાએ વધુમાં વ્યંગ કરતા જણાવ્યું કે, એક તરફ અધિકારી એવું કહે છે કે આ કામ આયોજનમાં લેવાયું છે, તો બીજી તરફ ગ્રામ પંચાયત એવું રોદણું રડે છે કે ‘વર્ક ઓર્ડર મળી ગયો પણ આખા પોરબંદર જિલ્લામાં ગટરના મોટા ભૂંગળા (પાઈપ) નથી મળતા!’ શું આટલા મોટા જિલ્લામાં ગટરના પાઈપ શોધવા માટે કોઈ રોકેટ સાયન્સ કે વૈજ્ઞાનિક સંશોધન કરવું પડે તેમ છે? પ્રજાને ગુમરાહ કરવા માટે અધિકારીઓ દર વખતે નવા બહાના અને પરસ્પર વિરોધાભાષી જવાબો શોધી લાવે છે.
નવરાત્રીમાં માઈભક્તોની સહનશક્તિની પરીક્ષા લેવાનું
બંધ કરો
આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે. ઠોયાણા સ્થિત પવિત્ર શ્રી નકલંક ધામ ખાતે ભવ્ય નવદુર્ગા શક્તિ ઉપાસના, ગરબા અને ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન થાય છે, જેમાં આસપાસના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો, સાધુ-સંતો અને બહેન-દીકરીઓ પધારે છે. તંત્ર શું એવું ઈચ્છે છે કે આ પવિત્ર તહેવારમાં બહેન-દીકરીઓ અને માઈભક્તો ગટરના ગંદા પાણી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થઈને દર્શન કરવા મજબૂર બને?
તા. 10/10/2026નું
આખરી અલ્ટીમેટમ
આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને સ્પષ્ટ અને આખરી ચેતવણી આપવામાં આવે છે કે નવરાત્રી શરૂ થાય તે પૂર્વે એટલે કે તારીખ 10-10-2026 પહેલાં ઠોયાણા ગામમાં ગટર લાઈનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. જો 10 ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂરી કરવામાં નહીં આવે, તો સ્થાનિક ગ્રામજનો અને માઈભક્તોને સાથે રાખીને રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે, જેની તમામ નૈતિક અને વહીવટી જવાબદારી નિદ્રાધીન તંત્રની રહેશે.તેમ કુતિયાણા વિધાનસભા પ્રભારી (આમ આદમી પાર્ટી)ના મેરૂભાઈ ઓડેદરાએ જણાવ્યુ છે.
