13 દિવસ પહેલા બનેલા બનાવમાં અંતે પોલીસ ફરિયાદ થઇ દાખલ: આરોપી પણ હાથવેતમાં હોવાની શકયતા
પોરબંદરમાં પતિ-પત્ની બેન્કમાં ગયા બાદ 87 હજારના દાગીના અને રોકડની ચોરી થઇ હતી. બનાવના 13 દિવસ પછી અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે તેથી આરોપી પણ હાથવેતમાં હોય તેવુ જણાઇ રહ્યુ છે.
પોરબંદરના બોખીરામાં વાછરાડાડાના મંદિર પાછળ આવેલ મુરલીધર પાર્કમાં રહેતા અને દરજીકામ કરતા શુભમકુમાર ગોપાલભાઇ માંડલીયા નામના 30 વર્ષના યુવાને ઉદ્યોગનગર પોલીસમથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની સુનિતાને બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાનું હોવાથી તા. 17-9ના સવારે પતિ-પત્ની મકાનના નીચે દરવાજે તાળુ મારી અને બેન્ક ઓફ બરોડામાં ગયા હતા એ સમયે બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો અને ઉપરના માળે આવેલ રૂમનો દરવાજો પણ ખુલ્લો હતો.
પત્નીના મોબાઇલમાં આધારકાર્ડ લીંકનો મેસેજ નહી આવતા બેન્કમાં ખાતુ ખુલી
શકયુ ન હતુ. ત્યાર પછી બંને બજારમાં ખરીદી કરવા ગયા હતા અને બે વાગ્યા આસપાસ ઘરે પરત ફર્યા હતા અને જમીને હોલમાં બેઠા હતા.
એક વર્ષના પુત્ર ક્રિશીવના કપડા ઉપરના રૂમમાં હોવાથી ફરીયાદીની પત્ની સુનીતા ઉપર કપડા લેવા ગઇ ત્યારે જોયુ તો ચોરી થઇ હોવાનું જણાયુ હતુ તેથી પત્ની સુનિતાએ શુભમકુમારને ઉપર બોલાવતા તપાસ કરતા કબાટના ખાનામાં રાખેલ લગ્ન સમયે અપાયેલુ સોનાનુ મંગલ સુત્ર એક જેનું વજન 11 ગ્રામ હતુ અને કિંમત 60,876 રૂા. હતી. તે ઉપરાંત સોનાની ત્રણ ગ્રામથી વધુ વજનની બે બુટી જેની કિંમત 21,300 રૂા. હતી તથા પાકિટમાં રાખેલ 9000 રૂા. પૈકી 4000 મળી આવ્યા હોવાથી 5000 ચોરાઇ ગયા હતા આમ કુલ 87,176ના દાગીના અને રોકડની ચોરી થઇ હોવાનું બહાર આવ્યુ હતુ તેથી આજુબાજુમાં રહેતા લોકોને પૂછતા કોઇને ખબર નહી હોવાનું જણાવ્યુ હતુ.
શુભમકુમારના સસરા બીમાર હોવાથી તાત્કાલિક ઉત્તરપ્રદેશ જવા નીકળ્યા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ હવે પતિપત્નીએ ઉદ્યોગનગર પોલીસમથક ખાતે હાજર થઇને અજાણ્યા તસ્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં કોઇ જાણભેદુ અથવા આજુબાજુની વ્યક્તિ જ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. તેથી આરોપી પણ પોલીસના હાથવેતમાં હોવાનું માનવામાં આવે છે.
