પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા ઓડદર ખાતે થયું નિર્માણ: 14 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા વનથી “સૌનો ઉદય અને સૌનું કલ્યાણ થાય તેવો આશાવાદ દર્શાવાયો
પોરબંદર નજીકના ઓડદર ખાતે 20 કરોડના ખર્ચે તૈયાર થયેલ સર્વોદય વનનું મુખ્યમંત્રી 1 ઓક્ટોબર એ લોકાર્પણ કરશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પવિત્ર ધરતી પર પ્રકૃતિ, સંસ્કૃતિ અને ગાંધીવિચારના ત્રિવેણી સંગમ સમાન ‘સર્વોદય વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધી જયંતીની પૂર્વસંધ્યાએ, તા. 1 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ વનનું લોકાર્પણ કરવામાં આવશે. આશરે 14 હેક્ટર વિસ્તારમાં રૂ. 20 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલું આ 25મું રાજ્યકક્ષાનું સાંસ્કૃતિક વન માત્ર હરિયાળી વધારવા પૂરતું સીમિત નથી, પરંતુ ‘સૌનો ઉદય અને સૌનું કલ્યાણ’ના સર્વોદયના વિચારને સાકાર કરતું એક અનોખું પરિસર છે.
મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વાવલંબન અને ગ્રામ સ્વરાજના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વિકસાવવામાં આવેલું આ વન પ્રકૃતિ સંરક્ષણની સાથે પોરબંદરની ઐતિહાસિક ઓળખ, સાંસ્કૃતિક વારસો, સ્થાનિક હસ્તકલા અને ગ્રામ્ય જીવનશૈલીને પણ ઉજાગર કરશે. પર્યાવરણ જાગૃતિ, પ્રવાસન વિકાસ, સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન અને રોજગારીની નવી તકો ઊભી કરવાની દિશામાં પણ આ વન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કીર્તિ મંદિરથી આશરે 15 કિલોમીટર અને મોકર સાગર વેટલેન્ડથી આશરે 6 કિલોમીટરના અંતરે આવેલું સર્વોદય વન પોરબંદરના પ્રવાસન નકશામાં એક નવું આકર્ષણ ઉમેરશે. અંદાજે 1.5 લાખ રોપાઓ અને 70 વિવિધ પ્રજાતિઓના વાવેતરથી વિકસાવવામાં આવેલું આ હરિયાળું પરિસર પ્રકૃતિપ્રેમીઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે જ્ઞાન, મનોરંજન અને પ્રેરણાનું કેન્દ્ર બનશે.
ગાંધીજીના વિચારોને સાકાર
કરતાં આકર્ષણો
સર્વોદય વનમાં મહાત્મા ગાંધીજીના જીવન, આદર્શો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને વિવિધ શિલ્પો, મ્યુરલ્સ અને થીમ આધારિત પરિસરો દ્વારા જીવંત કરવામાં આવ્યા છે. ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર મુલાકાતીઓને સાંસ્કૃતિક વારસાની અનોખી અનુભૂતિ કરાવશે. સ્વાગતમ પરિસરમાં પથ્થરનાં શિલ્પો દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓના યોગદાનને રજૂ કરવામાં આવ્યું છે.
ગ્રામ સ્વરાજ (ઇકો વિલેજ)માં ગાંધીજીના આત્મનિર્ભર અને સ્વાવલંબી ગામના સ્વપ્નને સાકાર કરતી સંકલ્પના રજૂ કરવામાં આવી છે. અહીં ગ્રામ્ય જીવનશૈલી, પરંપરાગત કૃષિ પદ્ધતિઓ, સ્થાનિક હસ્તકલા, શિલ્પો અને ભીંતચિત્રો દ્વારા સ્વચ્છ, હરિત અને ટકાઉ ગ્રામવિકાસનો સંદેશ આપવામાં આવ્યો છે.
મહાત્મા વનમાં પથ્થરની કોતરણી અને સ્ટોન મ્યુરલ્સ દ્વારા ‘મોહનથી મહાત્મા’ સુધીની ગાંધીજીની જીવનયાત્રાને દર્શાવવામાં આવી છે. માતૃ વનમાં માતૃત્વ, મમતા અને સંસ્કારોના મહત્ત્વને માતા-દીકરીના વૃક્ષારોપણ આધારિત શિલ્પ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
સત્ય-અહિંસા વનમાં ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને ઉજાગર કરતા અહિંસા સ્તંભ અને મુખ્ય સત્યાગ્રહોની ઝાંખી રજૂ કરતી મ્યુરલ વોલ બનાવવામાં આવી છે. જ્યારે શાંતિ વનમાં પંચવટી અને શ્રી યંત્ર જેવા આકર્ષણો દ્વારા શાંતિ, પ્રકૃતિપ્રેમ અને આંતરિક સુખાકારીનો સંદેશ આપવામાં આવ્યો છે. સી-વ્યૂ ગાર્ડનમાં પામ વૃક્ષો અને ગઝેબો સાથે દરિયાકાંઠાના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
પર્યાવરણ સંરક્ષણનું અનોખું કેન્દ્ર
પર્યાવરણ સંરક્ષણ, વન સંવર્ધન અને જૈવ વિવિધતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી સર્વોદય વનમાં વિવિધ થીમ આધારિત વનવિસ્તારો વિકસાવવામાં આવ્યા છે.
બરડા વન કુંજમાં બરડા પર્વતમાળાના કુદરતી વારસા, સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવનની વિશેષતાઓને રજૂ કરવામાં આવી છે. આયુષ વનમાં તુલસી, લીમડો, બહેડા, બીલી અને સરગવો જેવી ઔષધીય વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ માધ્યમથી પરંપરાગત ભારતીય આરોગ્ય પદ્ધતિઓ અને ઔષધીય છોડના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
પામ વાટિકામાં પામ પ્રજાતિનાં વૃક્ષો દ્વારા આકર્ષક હરિયાળું પરિસર ઊભું કરવામાં આવ્યું છે. રોક ગાર્ડનમાં કુદરતી પથ્થરો અને વિવિધ શિલ્પોનો સમન્વય જોવા મળશે. વન કવચમાં આશરે 1.5 હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રજાતિનાં રોપાઓ ઉછેરી હરિયાળું આવરણ વિકસાવવામાં આવ્યું છે.આ ઉપરાંત મિશન લાઇફ ગાર્ડનમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી, ટકાઉ ખાદ્ય વ્યવસ્થા, શૂન્ય કચરો અને ઇ-વેસ્ટના પુન:ચક્રીકરણ જેવા વિષયો દ્વારા નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જવાબદાર વર્તન અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
કૃષ્ણ-સુદામા વાટિકામાં
મિત્રતાનો સંદેશ
સર્વોદય વનમાં આવેલી કૃષ્ણ-સુદામા વાટિકા ભારતીય સંસ્કૃતિમાં મિત્રતાના અતૂટ સંબંધનું પ્રતીક છે. કૃષ્ણ અને સુદામાના બાળપણની સ્મૃતિઓ તથા તેમની નિ:સ્વાર્થ મિત્રતાને ત્રિ-પરિમાણીય કલાકૃતિઓ અને મ્યુરલ્સ દ્વારા જીવંત કરવામાં આવી છે. પ્રેમ, વિનમ્રતા, સમાનતા અને માનવતાના શાશ્વત મૂલ્યોને ઉજાગર કરતી આ વાટિકા મુલાકાતીઓને સાંસ્કૃતિક અને ભાવનાત્મક અનુભૂતિ કરાવશે.
હસ્તકલા અને
રોજગારીને પ્રોત્સાહન
સર્વોદય વન પર્યાવરણ અને સંસ્કૃતિની જાળવણીની સાથે સ્થાનિક લોકો માટે રોજગારી તથા સ્વરોજગારીની તકો ઊભી કરવાના હેતુથી પણ વિકસાવવામાં આવ્યું છે. વનમાં આવેલી કેફેટેરિયા દ્વારા મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, ચા-નાસ્તો અને અન્ય ખાદ્યસામગ્રી ઉપલબ્ધ થશે. તેના સંચાલન અને ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓથી સ્થાનિક મહિલાઓ, યુવાનો અને અન્ય નાગરિકો માટે રોજગારીની તકો ઊભી થઈ શકશે.સુવેનિયર શોપ દ્વારા સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને ચિંગરિયા ગામના કારીગરો દ્વારા પરંપરાગત હાથવણાટની કળાથી તૈયાર કરવામાં આવતી શોલ સ્થાનિક કારીગરીનું વિશિષ્ટ ઉદાહરણ છે. આ ઉત્પાદનોના વેચાણથી સ્થાનિક કારીગરોને પોતાની કળા રજૂ કરવા અને આવક મેળવવા માટે નવું મંચ મળશે.
મુલાકાતીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વનમાં રમતગમત વિસ્તાર, દિવ્યાંગજનો માટે અલગ રમતગમત વિસ્તાર, પીવાના પાણીની સુવિધા, શૌચાલય, પાર્કિંગ અને અન્ય પાયાની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.
પ્રકૃતિ, સંસ્કૃતિ અને સર્વકલ્યાણનો સમન્વય
સર્વોદય વનમાં સર્વોદય ચોક, ઇન્ફોર્મેશન એરિયા, પામ વાટિકા, ગ્રામ સ્વરાજ, કૃષ્ણ-સુદામા વાટિકા, મહાત્મા વન, માતૃ વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, સી-વ્યૂ ગાર્ડન, બરડા વન કુંજ, આયુષ વન, રોક ગાર્ડન, વન કવચ અને મિશન લાઇફ ગાર્ડન સહિતનાં વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યાં છે. આ તમામ પરિસરો દ્વારા પ્રકૃતિ અને માનવજીવન વચ્ચેના અતૂટ સંબંધને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આમ, આશરે 14 હેક્ટરમાં પથરાયેલું અને 70 વિવિધ પ્રજાતિનાં અંદાજે 1.5 લાખ રોપાઓથી સમૃદ્ધ સર્વોદય વન ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા, ગ્રામ સ્વરાજ અને સર્વકલ્યાણના વિચારોને પ્રકૃતિ તથા સાંસ્કૃતિક વારસા સાથે જોડતું વિશિષ્ટ પરિસર બની રહેશે. પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક હસ્તકલા, ગ્રામ્ય જીવનશૈલી, પ્રવાસન અને રોજગારીને પ્રોત્સાહન આપતું આ વન પોરબંદરની ઓળખને વધુ ઉજાગર કરશે અને આવનારી પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.
