લાઇફસ્ટાઇલ ડેસ્ક: મેકઅપ કર્યા પછી તે લાંબા સમય સુધી ટકી રહે અને ઓગળી ન જાય તે માટે તેને યોગ્ય રીતે ‘સેટ’ કરવો ખૂબ જ જરૂરી છે. મેકઅપને પરફેક્ટ લુક આપવામાં પાવડર મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ બજારમાં મળતા ભાત-ભાતના પાવડર જોઈને ઘણીવાર મહિલાઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે કયો પાવડર ક્યારે અને શા માટે વાપરવો.
જો તમને પણ આ જ મંજવણ હોય, તો ચાલો સરળ ભાષામાં સમજીએ દરેક મેકઅપ પાવડરનું ખાસ કામ:
૧. કોમ્પેક્ટ પાવડર (Compact Powder)
ચહેરા પરથી વધારાનું તેલ શોષી લેવા અને ત્વચાને ત્વરિત તાજગી આપવા માટે કોમ્પેક્ટ પાવડર સૌથી ઉત્તમ છે. તે ચહેરા પર લગાવેલા ફાઉન્ડેશન અને ક્રીમને લોક કરી દે છે, જેથી ગરમી કે પરસેવાના કારણે મેકઅપ ફેલાઈ ન જાય. બહાર જતી વખતે ક્વિક ટચ-અપ માટે આ પાવડર સૌથી વધુ ઉપયોગી છે.
૨. ટ્રાન્સલુસન્ટ સેટિંગ પાવડર (Translucent Setting Powder)
સામાન્ય સેટિંગ પાવડરમાં થોડી રંગત (Tint) હોય છે, જ્યારે ટ્રાન્સલુસન્ટ પાવડર એકદમ કલરલેસ (રંગહીન) હોય છે. આ પાવડરનો મુખ્ય ઉપયોગ મેકઅપને કલાકો સુધી કેકી (પેચી) થતાં અટકાવવાનો છે. તે ચહેરાના કુદરતી ટોનને બદલ્યા વિના મેકઅપને સેટ કરે છે.
૩. ફિનિશિંગ પાવડર (Finishing Powder)
નામ પરથી જ સ્પષ્ટ થાય છે તેમ, આ પાવડર આખા મેકઅપના અંતે વાપરવામાં આવે છે. સેટિંગ પાવડર લગાવ્યા બાદ, ફિનિશિંગ પાવડર ચહેરાને એક સોફ્ટ અને ફિલ્ટર જેવી ફિનિશિંગ આપે છે. તે ચહેરા પરની ઝીણી રેખાઓ અને છિદ્રોને કવર કરીને દોષરહિત (ફ્લોલેસ) લુક આપે છે.
૪. કલર કરેક્ટર પાવડર (Color Corrector Powder)
જો તમારી ત્વચાનો ટોન અસમાન હોય અથવા ચહેરા પર ડાઘ-ધબ્બા હોય, તો કલર કરેક્ટર પાવડર બેસ્ટ વિકલ્પ છે. આ પાવડર ગુલાબી, લવંડર, પીળા અને નારંગી જેવા અલગ-અલગ શેડ્સમાં આવે છે. તે ચહેરાના નિસ્તેજ ભાગોને છુપાવીને ત્વચાને એકસરખી બનાવે છે, સાથે જ તેલને કંટ્રોલ કરી ફાઉન્ડેશનને લાંબો સમય ટકાવી રાખે છે.
