અમરેલી જિલ્લાના ધારી પંથકમાં સિંહોની વસ્તી અને અવર જવર વચ્ચે વધુ એક રોમાંચક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલના રાજા ગણાતા એશિયાટિક સિંહનો રાજાશાહી અંદાજ મોબાઇલ કેમેરામાં કેદ થતાં વન્ય જીવ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ધારી તાલુકાના ગીર કાંઠાના મોરઝર ગામ આસપાસનો આ વીડિયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક પુખ્ત સિંહ ખુલ્લા વિસ્તારમાં અત્યંત બિન્દાસ અને નિર્ભય અંદાજમાં ચાલતો જોવા મળે છે. સિંહની ચાલમાં જોવા મળતો આત્મ વિશ્વાસ અને રાજાશાહી ઠાઠ જાણે પોતાના સામ્રાજ્યમાં નિરાંતે લટાર મારતો હોય તેવો અહેસાસ કરાવે છે. આસપાસના વિસ્તારમાં સિંહની હાજરી હોવા છતાં સિંહ કોઈ ઉતાવળ વિના પોતાની મસ્તીમાં આગળ વધતો જોવા મળ્યો હતો.
ધારી અને આસપાસના ગીરકાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર જંગલ પૂરતી મર્યાદિત રહી નથી. રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ પરિવારો તથા એકલદોકલ સિંહો અવારનવાર જોવા મળતા હોવાથી ગ્રામ્ય પંથકમાં સિંહદર્શન જાણે રોજિંદી ઘટના બની ગઈ છે. ખેતરો, રસ્તાઓ અને ગામની સીમમાં સિંહોના આંટાફેરાના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે.
મોરઝર પંથકમાં કેદ થયેલા આ વીડિયોમાં પણ સિંહનો ‘રોયલ વોક’ જોવા મળતા વીડિયો જોનારાઓમાં ભારે ચર્ચા જાગી છે. મોબાઇલ કેમેરામાં કેદ થયેલી સિંહની આ શાહી ચાલે ફરી એક વખત ગીર અને ગીરકાંઠાના વિસ્તારોમાં વનરાજની હાજરીનો રોમાંચક પરિચય કરાવ્યો છે.
સિંહોની વધતી અવરજવર વચ્ચે સ્થાનિક લોકોમાં વન્યજીવો પ્રત્યેનો રોમાંચ તો જોવા મળે છે, પરંતુ સાથે સાથે સિંહોની નજીક ન જવા અને સલામત અંતર જાળવવા અંગે વનવિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે. ખાસ કરીને રેવન્યુ વિસ્તારમાં સિંહ જોવા મળે ત્યારે લોકોના ટોળા એકઠા ન થાય અને સિંહને પરેશાન ન કરવામાં આવે તે જરૂરી છે.
