સૌરાષ્ટ્ર-કચ્છને બાનમાં લેતી ઠંડી નલિયા, ગિરનારમાં 6, ભૂજમાં 8.6, રાજકોટમાં 8.9, સુરેન્દ્રનગરમાં 9 ડીગ્રી, રાજકોટમાં પવનના સુસવાટા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત સપ્તાહથી બર્ફીલા પવનો વચ્ચે હાથ ગગડાવતી ઠંડીનો માહોલ જામી ગયો છે અને આજે પણ નવા સપ્તાહની શરુઆતમાં પણ ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોનું આક્રમણ યથાવત રહેવા પામ્યું છે અને લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.
રાજકોટમાં ગઇકાલે ચાલુ સિઝનનું હાઇએસ્ટ 8.9 ડીગ્રી તાપમાન નોંધાયા બાદ આજે સવારમાં 12 થી 15 કી.મી.ની ઝડપે હિમ જેવા પવનની સાથે 10.3 ડીગ્રી લઘુતમ તાપમાનથી નગરજનો થરથર્યા હતા. આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં છ સ્થળોએ સિંગલ ડીઝીટમાં તાપમાન નોંધાવા પામ્યું હતું. આજે સવારે નલીયા ખાતે 6 ડીગ્રી તથા ગિરનાર પર્વત ઉપર પણ 6 ડીગ્રી તેમજ અમરેલીમાં 9.7, સુરેન્દ્રનગરમાં 9, ભુજમાં 8.6 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ સોરઠ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કાતિલ ઠંડીએ ડેરો નાંખ્યો છે. લાંબી લાહ જોવડાવી હાલ ઠંડીનો માહોલ સર્જાયો છે. આજે સવારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાન મુજબ મેક્સીમમ 12.2 ડીગ્રીએ નીચે નોંધાયો હતો. જ્યારે નીચે ઉતરીને ઠંડીનો પારો 11 ડીગ્રીએ આવ્યો હતો. તેની સામે ગિરનાર પર્વત હીમાલય બની ગયો છે. તે નીચે ગગડીને 6 ડીગ્રીએ જતો રહેતા લોકો ઠુંઠવાયા છે. દિવસ દરમ્યાન લોકોએ બહાર નીકળવાનું મોટાભાગે ટાળ્યું હતું. જ્યારે જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાનનો પારો 12 ડીગ્રી રહ્યો હતો તો પવનની ગતિ પ્રતિકલાક 8.7 કીમી નોંધાઇ હતી. જ્યારે મહતમ તાપમાન 23.5 ડીગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59 ટકા નોંધાયું હતું. વેગીલા વાયરાને પગલે શહેરીજનો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. પશુ-પક્ષીઓ ઉપર અસર ઠંડીની જોવા મળી હતી. શહેરીજનોએ ગઇકાલ સાંજથી તાપણાનો સહારો લીધો હતો. અનેક ઘર વિહોણા લોકોને ઠંડીથી રક્ષણ આપે. મહાનગર પાલિકાના રેન બસેરામાં આશરો મેળવ્યો હતો. ગોહિલવાડ પંથકમાં પણ ગઇકાલે સિઝનની સૌથી વધુ ઠંડી 12 ડીગ્રી નોંધાઇ હતી તથા આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 13.8 ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા હતું. જ્યારે પવનની ઝડપ આઠ કીમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ઠંડા પવનને કારણે વાતાવરણ ટાઢુબોર બની ગયું છે.
આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે 14.8, વડોદરામાં 14.2, દમણમાં 15.8, ડિસામાં 11.3, દિવમાં 16.5, દ્વારકામાં 14.2, કંડલામાં 12, ઓખામાં 17.3, પોરબંદરમાં 15.4, સુરતમાં 14.4 અને વેરાવળ ખાતે 18.4 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ