ચોકી સોરઠ ખાતે રૂા.18 કરોડના ખર્ચે પોલીસ તાલીમાર્થીઓ માટે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ

ગુજરાતમાં પોલીસ તાલીમાર્થીઓ માટે નવી ડિઝાઇન સાથેનું પ્રથમ ભવન ચોકી સોરઠ ખાતે બન્યું : પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે લોકાર્પણ કર્યું

રાજ્ય નાણા પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જૂનાગઢના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે રૂ. 18 કરોડના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધા સાથેના 10 મંજિલા ઇમારત “કર્મવીર કેડેટ ભવન”નું લોકાર્પણ કર્યું હતું. તથા રાજ્યમંત્રી એ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં નવનિર્મિત આ ભવનનું નિરીક્ષણ પણ કર્યું હતું.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનમાં 456 જેટલા પોલીસ તાલીમાર્થીને રહેવા માટે અધ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં પોલીસ તાલીમાર્થીઓ માટે નવી ડિઝાઇન સાથેનું પ્રથમ ભવન ચોકી સોરઠ ખાતે બન્યું છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ જે સમૃદ્ધિ અને વિકાસના નવા આયામો જે સર કર્યા છે, તેમાં ગુજરાત રાજ્યનો શાંતિપૂર્ણ માહોલ હોવાથી આ પ્રગતિ શક્ય બની છે, રાજ્યમાં શાંતિ, સલામતી અને સમૃદ્ધિમાં ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
રાજ્યમંત્રી એ પોલીસ જવાનોની ફરજ પરસ્તીને બિરદાવતા કહ્યું હતું કે, રાજ્યના પોલીસ જવાનો રહેણાંક માટે સારી સુવિધા મળી રહે તે માટે આગામી સમયમાં 20,400 જેટલા આવાસો બનાવવાનો પણ રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે, તાજેતરમાં બજેટમાં પણ રૂ.1571 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે રાજ્યની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે ગૃહ વિભાગ માટે રૂ. 14 હજાર 265 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે રાજ્યમંત્રી એ તાજેતરમાં જ જૂનાગઢ ભવનાથ તળેટીમાં મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળો શાંતિપૂર્ણ રૂપે સંપન્ન થયો તે માટે જિલ્લા પોલીસના પરિશ્રમની સરાહના કરી જણાવ્યું હતું કે, આશરે 25 લાખ જેટલા ભાવિકોની સુરક્ષા અને સેવા માટે પોલીસ દિવસ રાત જોયા વગર ખડેપગે રહી હતી. કાર્યક્રમના અંતે રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર, ચોકીના ઇન્ચાર્જ આચાર્ય શ્રી એચ.પી. દોશીએ આભાર વિધિ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ