વેકેશનમાં સાસણ પ્રવાસીઓથી હાઉસફુલ

31 મે સુધીની પરમીટ બુક : હોટલ અને ફાર્મ હાઉસમાં હાઉસફુલના પાટીયા લાગ્યા: સિંહ દર્શનનો ક્રેઝ વઘ્યો

શાળા – કોલેજોમાં વેકેશન જાહેર થતાં જ જગ વિખ્યાત જંગલના રાજા, ડાલા મથ્થા સાવજોને જંગલમાં મુક્ત પણે વિહરતા જોવાનો ગુજરાતી સાથે સમગ્ર ભારત વર્ષ અને દુનિયાભરના પ્રવાસીઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેના કારણે સોરઠનું સાસણ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે તો મોટાભાગની સિંહ દર્શન માટેની પરમીટ બુક થઈ જવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં હરવા – ફરવાના અનેક સ્થળો છે, પરંતુ દેશ – વિદેશના પ્રવાસીઓમાં સોરઠ પંથક તો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોટ ફેવરિટ રહેવા પામ્યો છે. અને તેમાંએ ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલ સાસણ ઉપર પ્રવાસીઓએ આ વખતે મન ભરીને પ્રકૃતિ અને પ્રકૃતિના ખોળે વિહરતા વન્ય પ્રાણી, પક્ષીઓ અને પક્ષીઓને નિહાળવા માટેનું મન બનાવી લીધો હોય તેમ વેકેશન શરૂ થતાની સાથે જ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સાસણના તમામ હોટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસ હાઉસફુલ થઈ જવા પામ્યા છે. અને વેકેશન પૂરું થાય ત્યાં સુધી અમુક હોટેલ અને મોટેલ તો હાઉસફુલના બોર્ડ લગાવી ચૂક્યા છે.
સાસણના સિંહ જોવા આમ તો શાળા – કોલેજના તમામ વેકેશનની સાથે નાતાલ, દિવાળી, જન્માષ્ટમી સહિતના તહેવારો અને રજાઓના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે પ્રવાસીઓએ ખૂબ વધુ પ્રમાણમાં સાસણમાં સિંહના દર્શન કરવાનો ક્રેઝ બતાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંહ દર્શન માટે વન વિભાગ દ્વારા અપાતી પરમીટો મોટાભાગની હાઉસફુલ થઈ જવા પામી છે.તાજેતરમાં જ શાળાઓમાં વેકેશન જાહેર થયુ છે. અને લોકોમાં સિંહ દર્શનનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. જેને લઈને ગિરનાર નેચર સફારી પાર્ક, ગીર જંગલ સફારી, દેવળીયા પાર્ક સફારીની પરમીટોનું મોટાભાગનું એડવાન્સ બુકીંગ થઈ જવા પામ્યું છે. જૂનાગઢ ગિરનાર નેચર સફારીના અધિકારમાં જણાવ્યા મુજબ, વેકેશન શરૂ થતા જ લોકોનો ભારે ધસારો સિંહ દર્શન માટે જોવા મળી રહ્યો છે, અને એડવાન્સ બુકીંગ કરાવી લીધા છે. હાલ 31 મે સુધીમાં કોઈક દિવસ જ એકલ-દોકલ સ્લોટ ખાલી હોવાની સાથે તમામ પરમીટો એડવાન્સ બુકીંગ થયા છે. જેને લઈને સાસણ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે, અને સાસણમાં મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, હોટલ, મોટેલ, રીસોર્ટમાં રોકાયેલા પ્રવાસીઓ માટે ધમાલ નૃત્ય, સંગીત સંધ્યા સહિતના યાદગાર કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.

સિંહ દર્શનની પરમીટ, વાહન અને ગાઇડના ચાર્જીસ
ગીર જંગલ સફારી તથા દેવડીયા પાર્ક સફારી (સાસણ)

  • સોમવારથી શુક્રવાર સુધી પરમીટ : રૂ. 800, શનિવાર-રવિવાર રૂ. 1000,
    -જીપસી ભાવ : 4 સીટરના રૂ. 2500, 6 સીટરના
    રૂ. 3500 અને 8 સીટર-શ.4500,
    -ગાઈડ ચાર્જ : રૂ. 400, 500 અને 700
    ગિરનાર નેચર સફારી (જુનાગઢ)
    -સોમવારથી શુક્રવાર પરમીટ : રૂ. 800, શનિવાર-રવિવાર -રૂ. 1000
  • જીપસી ભાવ : રૂ. 2000
    -ગાઈડ ચાર્જ : રૂ. 400

રિલેટેડ ન્યૂઝ