જુલાઇના પ્રારંભમાં અનરાધાર વરસ્યા બાદ વરસાદ ગાયબ: મેઘરાજા અષાઢી બીજનું મુહુર્ત સાચવે તેવી ખેડુતોને આશા
રાજયમાં જુલાઇ માસના પ્રારંભમાં અનરાધાર વરસાદ વરસી ગયા બાદ છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસ્યો નથી. ત્યારે હવે આજથી આગામી 19 તારીખ સુધી રાજયમાં છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ નહી વરસતા નગરજનોએ ઉકળાટ અને બફારાનો અહેસાસ કર્યો હતો. આમ અષાઢી બીજે વરસાદ મુહુર્ત સાચવે તેવી આશા ખેડુતો સેવાી રહયા છે.
જુલાઇ માસના પ્રારંભમાં સૌરાષ્ટ્રના ઉના, કોડીનાર, તાલાલા ગીર, સોમનાથ, માંગરોળ, માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસી જતા ખેડુતોએ વાવણીકાર્યનો પ્રારંભ કર્યો છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તા.13 થી તા.19 સુધી રાજયમાં છુટો છવાયો વરસાદ વરસશે.
તા.13 ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દાદરાનગર હવેલી તથા તા.14 અને તા.1પ ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસશે.
જયારે તા.16 થી તા.19 ના રોજ ઉતર ગુજરાત અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરેન્દ્રનગર, દ્વારકા, બોટાદ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસશે. જયારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તા.19 થી ર1 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઇ શકે છે. જયારે રર જુલાઇ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. તા.ર3 થી રપ જુલાઇ દરમિયાન મુંબઇ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે. ત્યાર બાદ તા.ર6 થી 30 જુલાઇ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
