પ્રાચીમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ્ર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન તથા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુંજાભાઈ વંશની પ્રેરક ઉપસ્થિતિમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક રવિવારના રોજ પ્રાચી ખાતે આવેલ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની વાડીમાં ભવ્ય રીતે યોજાઈ હતી.
બેઠકમાં સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, યુવા આગેવાનો, મહિલા કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં તાજેતરમાં વિવિધ હોદ્દાઓ પર નિમણૂક પામેલા નવા હોદ્દેદારોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષમાંથી વિજયી બનેલા તમામ સભ્યોને અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર તરીકે નિષ્ઠાપૂર્વક અને બહાદુરીપૂર્વક મેદાનમાં ઉતરી પક્ષના વિચારોને જનતા સુધી પહોંચાડનારા પરંતુ અલ્પ મતોથી પરાજિત થયેલા ઉમેદવારોના કાર્યની પણ પ્રશંસા કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠકને સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની સાચી તાકાત તેના કાર્યકર્તાઓ છે. સંગઠન જેટલું મજબૂત બનશે, તેટલો પક્ષનો જનઆધાર વધશે. તેમણે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ગામડાં સુધી સંગઠનને વધુ સક્રિય બનાવી લોકોના પ્રશ્નો માટે સતત લડત આપવાની હાકલ કરી હતી. આગામી સમયમાં તાલુકામાં કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને જનઆધાર ધરાવતો બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન સંગઠનને વધુ સશક્ત બનાવવા, આવનારા રાજકીય કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન, પ્રજાલક્ષી પ્રશ્નોને વેગ આપવા તેમજ કોંગ્રેસ પક્ષની વિચારધારાને ગામેગામ પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ પણ પોતાના સૂચનો અને વિચારો રજૂ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ