માતૃભાષામાં સંવાદ સાથે ભાષા શુદ્ધિ, વૈજ્ઞાનિક અભિગમ અને ડિજિટલ કૌશલ્ય વિકસાવતો નવતર પ્રયોગ
લીલીયા તાલુકાના બવાડી પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક વરુણકુમાર દવે દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ રસપ્રદ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ગુજરાતી અઈં રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. રોબોટ વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી ભાષામાં સંવાદ કરી તેમના પ્રશ્નોના જવાબ આપે છે. અને તેમને પ્રશ્ન પૂછવા, વિચારવા તથા પોતાના વિચારો વ્યક્ત કરવા પ્રેરિત કરે છે.
આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં સાંભળવું, બોલવું, વાંચવું, લખવું અને સમજણ જેવી ભાષા શુદ્ધિ સાથે વૈજ્ઞાનિક અભિગમ, તાર્કિક વિચારશક્તિ, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને ડિજિટલ કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિજ્ઞાન, ગણિત, ખેતી, પર્યાવરણ, પશુપાલન અને રોજિંદા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો અંગે રોબોટ સાથે સંવાદ કરવાથી બાળકોનું શિક્ષણ પુસ્તક પૂરતું ન રહેતાં વાસ્તવિક જીવન સાથે જોડાઈ રહ્યું છે. શિક્ષક વરુણકુમાર દવેએ જણાવેલ છે કે, મારો હેતુ માત્ર રોબોટ બનાવવાનો નથી, પરંતુ બાળક પોતાની માતૃભાષામાં નિર્ભયતાથી પ્રશ્ન પૂછે, સમજે, વિચારે અને ટેક્નોલોજી દ્વારા શીખે તેવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે.
