કેદારનાથમાં ભેખડ ધસી પડતા માંડવીના અધિક મદદનીશ ઇજનેરનું મોત

ઇજનેરના મૃતદેહને વતનમાં લાવવા તજવીજ હાથ ધરાઇ

માંડવી ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ગજરા બાબા કેદારના દર્શન માટે ગયા હતા, જ્યાં અણધારી કુદરતી આફતનો ભોગ બનતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. ઉત્તરાખંડમાં પવિત્ર કેદારનાથ ધામના યાત્રા માર્ગ પર અચાનક ભેખડ ધસી પડવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.
પર્વતીય માર્ગ પરથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ પર પહાડી પરથી વિશાળ પથ્થરો અને માટીનો કાટમાળ ધસી પડતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક ભૂસ્ખલનની લપેટમાં આવી જતાં દર્શનાર્થે ગયેલા ગુજરાતના એક યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાથી કરુણ મોત નીપજ્યું છે.
ભૂસ્ખલનનો ભોગ બનેલો યુવક કચ્છ જિલ્લાના ભુજનો વતની હોવાનું સામે આવ્યું છે. 29 વર્ષીય રાજેશ ગજરા બાબા કેદારના દર્શન માટે ઉત્તરાખંડ ગયા હતા, જ્યાં અણધારી કુદરતી આફતનો ભોગ બનતાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. યુવાન વયે આશાસ્પદ દીકરાના મોતના સમાચાર વતન ભુજ પહોંચતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મૃતક રાજેશ ગજરા સરકારી સેવામાં જોડાયેલા હતા અને કચ્છ જિલ્લાના માંડવી ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેમના આકસ્મિક અને અકાળે અવસાનથી તેમના સાથી કર્મચારીઓ અને અધિકારી વર્ગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો દ્વારા ઘટનાસ્થળે જરૂૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને માદરે વતન લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ