સોમનાથ-ભાવનગર-અમરેલીમાં મેઘરાજાની સટાસટી

ઉનામાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ: વાંસજાળીયામાં અઢી, ડોળાસા-રાજુલા પંથકમાં અનરાધાર બે ઇંચ વરસાદ

રાજયમાં મેઘરાજાની વિદાયના સમાચાર વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેહુલીયો ભરપુર વરસી રહ્યો છે. અમરેલી, ભાવનગર પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉનામાં એક કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઇ હતી. તો ડોળાસા રાજુલામાં બે ઇંચ વાંસજાળીયામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઉના
સામાન્ય રીતે અષાઢ મહિના માં વ્યાપક વરસાદ વરસતો હોય છે પરંતુ ઉના ગીર ગઢડા પંથક માં અષાઢ મહિનામાં નહિવત્ માત્રા માં વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતો ચિંતાતૂર જોવા મળતા હતા અને ભાદરવા ની શરૂઆત માં વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતો સારા વરસાદ ની આશા સેવી રહ્યા હતા ત્યારે ઉના પંથક માં ભાદરવે અષાઢી માહોલ જોવા મળી રહ્યો હોય તેમ સમગ્ર પંથક માં છેલ્લા પાંચ દિવસ થી અવરીત વરસાદ વરસી રહ્યો હતો અને સોમવારે વરસાદે વિરામ લીધો હતો સામાન્ય રીતે ઉના પંથક માં સરેરાશ વરસાદ 40 થી 45 ઇંચ વરસે છે પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાયો હોય ખેડૂતો ના ખેતરો માં ઊભા પાક ની ચિંતા સતાવતી હતી પરંતુ વરુણદેવ હેત વરસાવતા હોય તેમ ચોમાસા ની સિઝન થી ભાદરવા ની શરૂઆત થી અત્યાર સુધી માં 30 ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતો ના હૈયે ટાઢક જોવા મળતી હતી અને આજે સવારે વાતાવરણ માં ગરમી તડકો જોવા મળતો હતો અને બપોરે અચાનક વાતાવરણ માં પલટો આવતા આકાશ માં કાળા ડીબાંગ વાદળો ઘેરવા લાગેલ અને બપોરે 3.00 વાગ્યે અચાનક ભારે પવન અને વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતા માત્ર એક કલાક માં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા શહેર પાણી મય બની ગયેલ અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને નીચાણ વાળા વિસ્તાર માં પણ પાણી ભરાયા હતા જો કે વરસાદ બંધ થતા પાણી ઓસરી જતા જન જીવન રાબેતા મુજબ થયું હતુ જ્યારે ગીર ગઢડા માં 16 મી.મી.વરસાદ વરસેલ હતો તેમજ ઉના તથા ગીર ગઢડા ના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસેલ હતો. જ્યારે ઉના શહેર નો સિઝન નો વરસાદ 33 ઇંચ થયેલ છે.જ્યારે મધ્ય ગીર માં આવેલ મછુંદ્રી ડેમ પર 54 મી.મી.વરસાદ નોંધાયો છે અને હજુ પણ ડેમ માં નોંધપાત્ર પાણી ની આવક નોંધાઈ નથી અને હાલ ડેમ 50% જેટલોજ ભરાયો છે જ્યારે રાવલ ડેમ પર 97% પાણી થી ભરાઈ ગયો છે અને આજે રાવલડેમ પર વરસાદ નોંધાયો નથી.
ડોળાસા
કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં આજે પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઈ ગયો હતુ. મંગળવારે વધુ બે ઇંચ વરસાદ થયો છે. ડોળાસા અને આજુબાજુના વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો . આ દરમિયાન 47 મી.મી. ( બે ઇંચ ) મિલિમિટર વરસાદ નોંધાયો છે.
રાજુલા
રાજુલા શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય બજારમાં પણ ચારે તરફ પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજુલા શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ સારો વરસાદ નોંધાયો છે. છતડીયા, ખાખબાઈ, માંડરડી સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. લાંબા વિરામ બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં પણ રાહત જોવા મળી રહી છે. રાજુલા પંથકમાં સારા વરસાદના પગલે ધાતરવડી ડેમ-2માં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એક દરવાજો ખોલવાની ફરજ પડી હતી.
વાંસજાળીયા
વાંસજાળીયામાં મંગળવારે બપોરે ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા સુધીમાં જોરદાર અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે.ભારે ગાજવીજ સાથે બપોરે ત્રણ વાગ્યે વરસાદ શરૂ થયા બાદ પાંચ વાગ્યા સુધી માં અઢી ઈંચ જેટલો વરસાદ થતા ગામ ની બજાર માં પાણી વહેતા થયા હતા તેમજ સીમ વિસ્તાર માં પણ ખેતરો માં પાણી ભરાયા હતા.
ભાવનગર
મંગળવારે બપોર સુધી ભાવનગરમાં કાળઝાળ ગરમી અને બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું. જોકે, સાંજે 4 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ ઘેરા વાદળોથી આચ્છાદિત થઈ ગયું હતું. ગોહિલવાડ પંથકમાં સર્જાયેલા આ વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના ગારીયાધાર અને મહુવા તાલુકામાં બપોરના સમયે વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી અને એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત તળાજા અને ઉમરાળા તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદ માં ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સૌથી વધુ 30 મી.મી. (એક ઇંચથી વધુ) અને મહુવામાં 21 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં 7 મી.મી. અને ઉમરાળામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
તાલાલા
તાલાલા પંથકમાં ભારે ઉકળાટ બાદ બપોર પછી ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર પાણી..પાણી.. થઈ ગયો હતો. આજે બપોર બાદ ધાવા ગીર,માધુપુર ગીર,લુશાળા ગીર,હડમતીયા ગીર,વીરપુર ગીર,બોરવાવ ગીર,જસાધાર સહિત 20 જેટલા ગામોમાં અડધાથી બે ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ વાળા ગામોમાં નદી-વોંકળા ફરીથી છલકાઈ ગયા હતાં.છેલ્લે..છેલ્લે.. મેઘ મહેરથી ખેડૂતો તથા આમ જનતામાં આનંદ છવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા બોરવાવગીર ગામના પાદરમાંથી પસાર થતા વનારીયા ગામના વોંકળામાં પુર આવ્યુ હતું.
અમરેલી
અમરેલી જિલ્લામાં ત્રણેક દિવસના વિરામ બાદ આજે ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાદરવા માસમાં રાજુલા પંથકથી શરૂ થયેલી મેઘમહેર ધીમે ધીમે લાઠી, સાવરકુંડલા અને લીલીયા પંથક સુધી પહોંચી હતી. અનેક ગામોમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે ખેતરો પણ જળબંબાકાર બન્યા હતા. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના લાઠી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. લાઠીના છેવાડાના વિસ્તારોમાં આવેલા ઘામેલ, મેમદા, કાચરડી, નવાગામ અને આંબરડી સહિતના ગામોમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોને ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. શેલણા, મોટા ભમોદ્રા, ઘોબા, પીપરડી સહિતના ગામોમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન રાજુલા, લાઠી અને સાવરકુંડલા બાદ લીલીયા પંથકમાં પણ મેઘમહેર થઈ હતી. લીલીયાના ભોરીંગડા, ક્રાંકચ અને એકલારા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભોરીંગડા ગામમાં તો ભારે વરસાદના પગલે શેરીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતા નદી જેવા દૃશ્યો સર્જાયા હતા.
ગોંડલ
ગોંડલ માં સાંજ નાં સુમારે ભારે પવન ફુંકાવો શરુ થયો હતો.વિજળી નાં કડાકા ભડાકા વચ્ચે વરસાદ વરસ્યો હતો. દરમિયાન જુની કોર્ટ બિલ્ડીંગ માં રહેલું સુકાઇ ગયેલુ તોતિંગ વૃક્ષ ધરાશઇ થઈ વિજપોલ પર પડી બાજુ નાં રોડ પર પડતા તાર સહિત બે વિજપોલ ધરાશઇ બન્યા હતાં.જેને કારણે આસપાસ નાં વિસ્તાર માં વિજળી ગુલ થઇ હતી.કોર્ટ બિલ્ડીંગ ની પાળી પર થઈ રોડ પર વૃક્ષ પડ્યુ હોય આઇકોનિક રોડ તરફ નો રસ્તો બંધ થઇ ગયો હતો.બનાવ ની જાણ નગરપાલિકા નાં સેનિટેશન વિભાગ ને થતા તુરંત દોડી આવી વૃક્ષ ને હટાવી રસ્તો પુર્વવત કર્યો હતો.પીજીવીસીએલ સ્ટાફ પણ દોડી આવી મરામત હાથ ધરી હતી. ગોંડલ માં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહયો છે.
માળીયા હાટીના અડધી કલાકમાં ધોધમાર અડધો ઇંચ વરસાદ
માળીયા હાટીનામાં મંગળવારે બપોરના સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી અડધી કલાકમાં અડધા ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે. કડાકા ભડાકા સાથે અનરાધાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો અડધી કલાકમાં 15 મીલી મીટર અડધો ઇચ વરસાદ પડ્યો છે. તાલુકાના લાઠોદરા અને વડીયા ગીરમાં પણ વરસાદ પડ્યાના અહેવાલો મળે છે. વરસાદ પડદા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

રિલેટેડ ન્યૂઝ