ગામની ગલીઓમાં આંટાફેરા કરતો સિંહ દેખાયો
વેરાવળ તાલુકાના ઉકડીયા ગામ ફરી એકવાર સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી છે. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો એક સિંહ ગામની ગલીઓ માંથી પસાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉકડીયા ગામ માં બાપા સીતારામ ની મઢૂલી નજીક શાંત વાતાવરણ વચ્ચે અચાનક સિંહની હાજરીથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ હતી. રાત્રિના સમયે ગામની ગલીઓમાં નિર્ભય રીતે ફરતા સિંહ ના દ્રશ્યો સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા, જે દ્રશ્યો ગંભીરતા દર્શાવે છે. ગામમાં અગાઉ પણ વન્ય પ્રાણીઓના આંટાફેરા થયેલ હોવાનું નોંધાયેલ છે. આ વખતે સિંહ ગામના મધ્ય ભાગ સુધી પહોંચી જતાં લોકોમાં વધુ ભય ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિ સમયે બહાર નીકળતા લોકો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. આ અંગેની જાણ વન વિભાગને તાત્કાલિક કરવામાં આવતા વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનોને રાત્રિ સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકોને ઘરમાં જ રાખવા અને કોઈપણ રીતે સિંહને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી છે. વન અધિકારીના જણાવ્યા અનુસાર, ગીરના જંગલ વિસ્તાર નજીક આવેલા ગામોમાં સિંહ શિકાર અથવા માર્ગ બદલવાના કારણે ક્યારેય પ્રવેશ કરે છે. હાલ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તો સિંહને જંગલ તરફ મોકલવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉકડીયા ગામ માં સિંહની લટાર થી ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંપર્કની ગંભીરતા દર્શાવે છે. આવા સંજોગોમાં ગ્રામજનોની સલામતી અને સાવચેતી સૌથી મોટો મુદ્દો બની રહે છે.
