ગુરુવારે લોહાણા મહાજન વાડી વીરપુર ખાતે પ્રાર્થના સભા
યાત્રાધામ વીરપુરના લોહાણા સમાજના અગ્રણી રમેશભાઈ ગઢિયાના ભત્રીજા તેમજ વીરપુર વેપારી એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ગઢિયાના પુત્ર વિરેનકુમાર ભરતભાઈ ગઢિયાનું માત્ર 39 વર્ષની વયે ટૂંકી બીમારી સબબ દુ:ખદ નીધન થયું છે. વીરપુરના એક આશાસ્પદ યુવાનના નિધનના સમાચાર વહેતા થતા જ સમગ્ર વીરપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
વિરેનકુમારના માનમાં વીરપુરના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી સ્વયંભૂ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સદગતની અંતિમયાત્રામાં વીરપુરના તમામ સમાજના અગ્રણીઓ, વેપારી મિત્રો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને શોકાતુર હૃદયે તેમને વિદાય આપી હતી.યુવાન પુત્રના જવાથી ગઢિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પરિવારના જણાવ્યા અનુસાર, સદગત વિરેનકુમાર ગઢિયાની પ્રાર્થનાસભા(બેસણું) આગામી ગુરુવાર, તારીખ 12 ફેબ્રુઆરી ના રોજ રાખવામાં આવી છે. આ બેસણું બપોરે 4:00 થી 6:00 કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, વીરપુર ખાતે યોજાશે, જ્યાં વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો સદગતને પુષ્પાંજલિ અર્પણ કરશે.
