આપમાં ભંગાણ : રાજુ કરપડાએ બોમ્બ ફોડ્યો

મને જેલમાં જ રાખવો હતો, નેતાઓનું કાવતરૂ : ક્યા પક્ષમાં જોડાવવું એ હવે પછી નક્કી કરીશ !

આમ આદમી પાર્ટી (આપ)માંથી ગઇકાલે જ રાજીનામુ આપી દેનારા લડાયક નેતા રાજુ કરપડાએ આજે પોતાના રાજીનામા પાછળ પાર્ટીના જ પ્રદેશ નેતા જવાબદાર હોવાનો ધડાકો કર્યો હતો. પોતાને જેલમાંથી બહાર ન આવવા દેવા સહિતના આક્ષેપો કર્યા હતા અને તેઓ ભાજપની ‘બી’ ટીમની જેમ કામ કરી રહ્યાનો પણ આરોપ મુકયો હતો.
‘આપ’ના ખેડુત મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને લડાયક નેતાની છાપ ધરાવતા રાજુ કરપડાએ ગઇકાલે રાજીનામુ આપ્યું હતું અને ત્યારે કોઇ કારણ કે અન્ય વિગતો જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો. વ્યકિતગત કારણોથી જ રાજીનામુ આપી રહ્યાનું રાજીનામા પત્રમાં કહ્યું હતું. હવે આજે એકાએક રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને તેઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને તેમાં ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તથા મહામંત્રી મનોજ સોરઠીયા જેવા નેતાઓ સામે સ્ફોટક આક્ષેપ કર્યા હતા.
તેમણે કહ્યું કે, કડદા કાંડમાં પોતાને જેલ ભેગો કરવામાં આવ્યા હોવા છતાં પાર્ટીના કોઇપણ નેતા જેલમાં મળવા આવ્યા ન હતા. એટલું જ નહીં પોતે જેલમાંથી મુકત ન થાય તે માટે કાવાદાવા કરવામાં આવ્યા હતા. મારી જેલમુકિત માટે પાર્ટીને એક પણ સારા વકીલ મળ્યા ન હોય તેમ શકય એટલા વધુ સમય સુધી મને જેલમાં જ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. મને બચાવવાના બદલે વધુને વધુ ફસાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જામીન મુદે પણ પાર્ટીએ પરિવાર સાથે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાર્ટીની પ્રદેશ કક્ષાની નિષ્ક્રિયતાને કારણે મારે તો ઠીક પરંતુ આંદોલનમાં સામેલ થયેલા અને જેલ ભેગા થયેલા ખેડૂતોને પણ વધુ સમય જેલમાં રહેવું પડયું હતું. જેલમાં જ મેં નકકી કર્યુ હતું કે ખેડુતો માટેની લડત હવે બિનરાજકીય રીતે ચલાવવામાં આવશે અને તે પછી ગઇકાલે રાજીનામુ આપી દીધુ હતું.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા સામે નિશાન ટાંકતા રાજુ કરપડાએ કહ્યું કે, બંને પ્રદેશ નેતાઓનું વર્તન ખરાબ રહ્યું છે. મારા પિતા સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ બંને નેતાઓ ભાજપની ‘બી’ ટીમ હોય તેમ કાર્ય કરે છે. સુરતથી આવેલા કેટલાક નેતાઓ પાર્ટીમાં વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
તેમણે એવી વ્યથા ઠાલવી કે, પોતે રાજકારણમાં ન હતા ત્યારે પણ ખેડુતો માટે લડતા હતા. ‘આપ’માં સામેલ થયા પછી સંપૂર્ણ રીતે વફાદાર રહ્યો હતો અને પરિવાર કરતા પણ વધુ સમય પાર્ટીને આપ્યો હતો છતાં મારી સાથે રાજકીય દગો થયો હોવાનો ઘાટ ઘડાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1ર ઓકટોબર, ર0રપના રોજ બોટાદમાં હડદડ ગામમાં ખેડુત મહાપંચાયતનું આયોજન કરાયું હતું. ખેડુતોના પ્રશ્ર્નોએ આમ આદમી પાર્ટીએ આ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમ મંજૂરી વિના યોજાયો હોવાનું જાહેર કરીને પોલીસ પહોંચી હતી ત્યારે સંમેલનમાં હાજર લોકોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો અને ઘર્ષણ સર્જાયુ હતું આ ઘટનામાં પોલીસે 8પ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને જેમાં રાજુ કરપડા, પ્રવિણ રામ સહિત સંખ્યાબંધની ધરપકડ કરવામા ંઆવી હતી. લાંબો વખત જેલવાસ બાદ તેઓના ગત ર9 જાન્યુઆરીએ જામીન મંજૂર થયા હતા. આ પછી ગઇકાલે રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

રાજુ કરપડા ભાજપમાં જોડાશે ? જવાબ ટાળ્યો છતાં શાસક પક્ષ ખેડૂતોના પ્રશ્ર્ન ઉકેલે તો સમર્થન
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દેનારા રાજુ કરપડાએ આજે ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા સહિતના ‘આપ’ના પ્રદેશ નેતાઓ સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા હવે તેઓ ભાજપ કે અન્ય કોઇ પક્ષમાં જોડાશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે રાજકારણમાં ન રહે તો પણ ખેડુતોના પ્રશ્ર્ને જ લડત ચાલુ જ રાખશે અને કોઇ પણ સમસ્યા સામે આંદોલન કરશે. આ તકે તેમણે એવો પણ નિર્દેશ કર્યો હતો કે શાસક પક્ષના લોકો ખેડુતોના પ્રશ્ર્નો સાચી રીતે ઉકેલશે તો પોતે ખુલ્લેઆમ તેમની પડખે ઉભા રહેશે અને સંપૂર્ણ સમર્થન કરશે. બીજી તરફ તેમણે એમ પણ કહ્યું કે, પોતાના રાજીનામા વિશે ‘આપ’ના નેતાઓ ખોટો પ્રચાર કરી રહ્યા છે કે પોતાને જેલવાસ થયો એટલે રાજીનામુ આપ્યું છે. પરંતુ પોતે દસ વર્ષથી ખેડુતો માટે લડે છે અને અનેક કેસો ચાલુ છે તેનાથી કયારેય બીક રાખી નથી. જેલવાસ દરમ્યાન ભાજપના નેતાઓ મળવા આવતા હોવાનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ