ઘટનાથી ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું
કોડીનાર તાલુકાના આદપોકર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની જવા પામી જેમાં પ્રસિદ્ધ આદિનાથ મહાદેવ મંદિર પાસે આવેલા કુંડમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. આ અકસ્માતથી પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.
સૂત્રો માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, આદપોકર ગામે આદિનાથ મહાદેવ મંદિર પાસેના કુંડમાં 10 વર્ષીય રિતિકા અને 6 વર્ષીય એંજલ રમતા હતા. તે દરમિયાન નાની બાળકી એંજલનો પગ અચાનક લપસી જતાં તે કુંડના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. બહેનને ડૂબતી જોઈ તેને બચાવવા ગયેલી મોટી બહેન રિતિકા પણ પાણીમાં ફસાઈ હતી. બંને દીકરીઓને ડૂબતી જોઈ વહાલસોઈ માતા ઇલાબેન પણ તેમને બચાવવા કુંડમાં કૂદી પડ્યા હતા. પરંતુ પાણીની ઊંડાઈ વધુ હોવાને કારણે ત્રણેય સભ્યો કુંડમાં ગરકાવ થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓ મદદે દોડી આવ્યા હતા. કોડીનાર નગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે માતા ઇલાબેનને ગંભીર હાલતમાં કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પણ નિધન થયું હતું. આમ માતા ઇલાબેન વંશ (ઉંમર 40 વર્ષ),પુત્રીઓ રિતિકાબેન (ઉંમર 10 વર્ષ) અને એંજલબેન (ઉંમર 6 વર્ષ) નું કરૂણ મૃત્યુ થતા.ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોડીનાર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ કરૂણાંતિકાના સમાચાર મળતા જ આદપોકરના સરપંચ વિજયસિંહ ચાવડા, તેમજ કોડીનાર કોળી સમાજ ના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જોકે આ સમગ્ર મામલે કોડીનાર પોલીસે અકસ્માતે કોઈપણ રીતે પાણી માં ડૂબી જવાથી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે ફૂલ જેવી બે દીકરીઓ અને માતાના મોતથી વંશ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોક નો માહોલ છવાયો છે.
