વેરાવળ નગરપાલિકાનું રૂા.125 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર

વિપક્ષે યોગ્ય જવાબ નહી મળતા બજેટ કોપી ફાડી નોંધાવ્યો વિરોધ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની વર્ષ 2026-27 ની બજેટ બેઠક રાજકીય ગરમાહટ વચ્ચે પૂર્ણ થઈ હતી. પ્રમુખ પલ્લવીબેન જાની, ઉપપ્રમુખ જયેશભાઇ માલમડી, ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, દિક્ષિતા બેન અઢીયા, બાદલ ભાઈ હુંબલ, નિલેશભાઇ વિઠલાણી તથા વિપક્ષી નેતા અફઝલ પંજા અને ગુલામ ખાન સહિતના નગરસેવકો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં નગરપાલીકાનું રૂા.125 કરોડ નું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર સતા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળેલ જ્યારે વિપક્ષે કેટલાક પ્રશ્નોના યોગ્ય જવાબ ન મળ્યા ના આક્ષેપ સાથે બજેટ કોપી ફાડી વિરોધ નોંધાવ્યો અને વોક આઉટ કરેલ ત્યારે સત્તાધારી ભાજપ બહુમતી ના બળે બજેટ મંજૂર કર્યું છે. આ બેઠક અંગે ચીફ ઓફિસર દેવીબેન ચાવડાના જણાવ્યા મુજબ રૂા.10 કરોડ રોડ-રસ્તા અને વિકાસ કામો માટે, રૂ.8 કરોડ પ્રાથમિક સુવિધાઓ વધારવા અને બાકીની રકમ રૂટીન ખર્ચ અને અન્ય આયોજન માટે ફાળવાઇ છે. બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન બાદલભાઈ હુંબલે બાંધકામ પરવાનગી ની સત્તા પરત લેવામાં આવતા નગરપાલિકાને વાર્ષિક રૂા.4 કરોડની આવકમાં નુકસાન અને નાગરિકો ને હાડમારી વધ્યાની રજુઆત કરતા આ મુદ્દે સર્વાનુમતે ઠરાવ પસાર કરી રાજ્ય સરકાર સમક્ષ સત્તા પરત આપવાની માંગ કરવાનું નક્કી થયેલ હતું. આ બેઠક અંગે વિપક્ષી નેતા અફઝલ પંજાએ આક્ષેપ કર્યો કે બેઠક શરૂ થયા બાદ લાંબા સમય સુધી સભ્યોને બજેટ બુક આપવામાં આવી નહોતી. તેમણે નગરપાલિકામાં લોલમલોલ વહીવટ અને વિકાસ કામોમાં ગેરવ્યવસ્થા હોવાનો આરોપ લગાવેલ અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દાયકામાં હજારો કરોડના વિકાસ નિધિ મળ્યા હોવા છતાં શહેરમાં ગંદકી અને અસુવિધા યથાવત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ રીતે રાજકીય તણાવ વચ્ચે સવા અબજ નું બજેટ મંજૂર થયું પરંતુ નગરપાલીકા ની કાર્યપદ્ધતિ અને વહીવટ અંગે ના પ્રશ્નો હજી પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હોવાનું બોલી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ