ગીર સોમનાથ પોલીસે ચેક બાઉન્સ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો છે. આ આરોપી સામે કુલ રૂ.19.50 લાખના દાવા સાથે ત્રણ અલગ-અલગ કોર્ટના સજા વોરંટ અમલમાં હતા. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી પી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા એ જિલ્લાભરમાં સજા વોરંટ અને પકડ વોરંટ ના આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે પીઆઇ એચ.આર. ગોસ્વામી સહિતની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રભાસ પાટણ પોલીસ ના બીટ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરસુખભાઇ સુરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ પુંજાભાઈ, હિતેષભાઇ ભીમાભાઈ સહિતનાએ સંયુક્ત બાતમીના આધારે આદ્રી ગામ વિસ્તાર માંથી આરોપી અબ્દુલકરીમ જમાલ કબીરાણી ઉં.વ.50 રહે.સુપાસી, મસ્તાના મંજિલ, મફતીયા પરા વિસ્તાર, તા.વેરાવળ, જી. ગીર સોમનાથ વાળા ને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સામે ધી-નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ કલમ-138 હેઠળ કુલ રૂા.19,50,000 ના દાવા સાથે ત્રણ સજા વોરંટ અમલમાં હતા. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી, કોર્ટ ના ક્રિમિનલ એપ્લિકેશન માં એક વર્ષની સાદી કેદ, બીજી ક્રિમિનલ એપ્લિકેશન માં બે વર્ષની સાદી કેદ, અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી, ના ફોજદારી કેસમાં એક વર્ષની સાદી કેદ નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ નામદાર કોર્ટના આદેશ મુજબ જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.
