વિજળી પડતા સનવાવમાં ત્રણ મહિલા ઘાયલ, જામજોધપુરના ધ્રાફામાં માલધારીનું મોત : કેરી સહિતના બાગાયતી અને રવિ પાકને વ્યાપક નુક્શાન: ડોળાસામાં અડધો ઈંચ : માળિયા હાટીના, હરભડિયા વીરડી સહિતના ગામમાં ગાજવીજ સાથે માવઠુ વરસ્યું
જૂનાગઢ જિલ્લામાં કુદરતે કહેર વર્તાવ્યો છે. ચૈત્ર માસના પ્રારંભે જ અષાઢી માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે સતત બીજા દિવસે સોરઠ પંથકમાં હળવા ઝાંપટાથી વિજળીના કડાકા ભડાકા સાથે 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના પગલે કેરી સહિતના બાગાયતી તથા રવિ પાકને વ્યાપક નુક્શાન પહોંચ્યું છે. ગીરગઢડાના એભલવડ ગામે વિજળીના કડાકા ભડાકા સાથે તોફાની 4 ઈંચ માવઠુ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતાં. તેમજ માળિયાહાટીના, વીરડી, હરમડિયા, ગામમાં માવઠુ વરસ્યું હતું. ડોળાસામાં અડધો ઈંચ, માવઠુ વરસતા રાજમાર્ગો પર પાણી વહેતા થયા હતાં. જામજોધપુરના ધ્રાફા ગામે વીજળી પડતા માલધારીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગીરગઢડામાં વીજળી પડતા ત્રણ મહિલાને ઈજા પહોંચી છે. જ્યારે ભેંસનું મૃત્યુ નિપજ્યું છે.
ઉના
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઉના-ગીરગઢડા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઘટનામાં ગીરગઢડાના વેળાકોટ ગામમાં વીજળી પડતા ત્રણ મહિલાઓ ઘાયલ થઈ હતી, જ્યારે સનવાવ ગામમાં એક ભેંસનું મોત થયું હતું.
વેળાકોટ ગામના જોરૂભાઈ કરસનભાઈ મોરાશિયાની વાડીમાં કામ કરી રહેલી જલ્પાબેન રામસીંગભાઈ ખાડિયા, કાડવીબેન ધીરુભાઈ મોરાશિયા અને જીગ્નાબેન રામજીભાઈ પરમાર વીજળીની ઝપેટમાં આવી ગઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક ગીરગઢડા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કમોસમી વરસાદ દરમિયાન સનવાવ ગામમાં ખેતરમાં બાંધેલી એક ભેંસ પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગીરગઢડા પંથકમાં અંદાજે 2.75 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે. વરસાદ સાથે ગીરગઢડા પંથકના અમુક ગામોમાં કરા પણ પડ્યા હતા. જેના કારણે કેરી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે.
ગીરગઢડા
તા 20ના રોજ બપોરે બે વાગ્યા આસપાસ ગીર ગઢડા અને આસપાસના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદના કારણે ભરઉનાળે બજારોમાં ચોમાસાની માફક પાણી વહેતા થયા હતા.વરસાદના પગલે ખેડૂતોના ઘઉં,ચણા, મગ,તલ અને ડુંગળીના પાકમાં નુકસાનની ભીતિ છે જ્યારે કેસર કેરીના પાકને અત્યંત વ્યાપક પ્રમાણ ખૂબ નુકસાન થયું છે અને ભારે પવનના કારણે સંભવિત પાક નીચે પડી ગયો હતો.સાથે ભર ઉનાળે ઘણા નદી નાળામાં પાણી આવ્યું હતું અને ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું.સાથે સનવાવ ગામે વીજળી પડતા એક ભેંસનું મૃત્યુ થયું હતું.તેમજ વેળાકોટ ગમે ઘર પર વીજળી પડતા ત્રણ બહેનોને ગંભીર ઇજા પહોંચી હતી અને ત્રણેય બહેનોને સારવાર અર્થે ગીર ગઢડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ડોળાસા
ડોળાસા વિસ્તાર માં ફરી એક વાર કમોસમી અડધો ઈંચ વરસાદ પડતાં તલ,બાજરી ના પાક ને નુકશાન થયું છે. શુક્રવારે બપોર બાદ સાડા ચાર વાગ્યે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો.અને ધોધમાર વરસાદ તુટી પડતાં સર્વત્ર પાણી પાણી થયું હતું.મુખ્ય બજાર માં અને હનુમાન મંદિર પાસે પાણી નો ભરાવો થયો હતો.દિવાળી બાદ કમોસમી વરસાદ ના કારણે મગફળી , સહિત ના પાકો ને ભારે નુકશાન થયું હતું.
જામનગર
જામજોધપુર તાલુકા ના જૂની આંબરડી ગામમાં રહેતા અને માલધારી કાબાભાઈ માયાભાઈ વકાતર ( 52) ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફુલઝર નદીના કાંઠે પોતાની ભેસોને ચરાવવા માટે લઈ ગયા હતા. જે દરમિયાન એકાએક તેઓ પર આકાશી. વીજળી પડી હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ વિશાભાઈ ઉર્ફે જીણકાભાઈ એ પોલીસને જાણ કરતાં શેઠવડાળા ના પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા હાટીના
માળિયાહાટીનામાં શુક્રવારે બપોરના બે વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો માળીયાહાટીના વિસ્તાર ના અમુક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વડાળા વિરડી ગામ ની વાડી વિસ્તારમાં તેમજ ગૌશાળા પાંજરાપોળમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે.
ભાવનગરના 323 ગામમાં વીજપુરવઠો ખોરવાયો
ભાવનગરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે કેટલીક દુકાનોના છાપરા અને મકાનો પર ફિટ કરેલી સોલાર પેનલો હવામાં ફંગોળાઈને નીચે પડી હતી, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર વૃક્ષો પડવાથી વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પણ ગઈકાલે સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું. પાલીતાણા ના તળેટી રોડ વિસ્તાર માં મનશાંતિ ભવન પાસે આવેલ મોટી જાડી ડાળી પરપ્રાંતિય મજુર યોગી પ્રધાન ઉપર પડતા ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં ફુંકાયેલા વાવાઝોડા ને કારણે શહેરના બાર સહિત જિલ્લાના 416 ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાવનગર શહેરમાં અડધો ઇંચ અને જિલ્લા ના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડતા વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.
